વેસ્ટ મિડલેન્ડ્સના રફીક તેમ જ સાથી ગુનેગારો સ્ટીવન હોમ્સ અને શેનોન હીપ્સને ૧૯ વર્ષીય વિક્કી પર એસિડ હુમલાની યોજના બદલ દોષી ઠરાવાયા હતા. જજ નિકોલસ વેબે સજા સંભળાવી ત્યારે રફીકનો ચહેરો ભાવશૂન્ય જ હતો. જજે રફીકને પીડિતાનાં દાદાની વયનો ગણાવ્યો હતો. સ્મેથવિકના હોમ્સને ૧૪ વર્ષ અને ટિવિડેલના હીપ્સને ૧૨ વર્ષ જેલની સજા કરાઈ હતી. આ ત્રણે વ્યક્તિને સજા સંભળાવાઈ ત્યારે મિસ હોર્સમાન કોર્ટમાં હાજર રહી હતી.
ગત ૧૫ એપ્રિલે કેર વર્કર હોર્સમાને હોમ્સ માટે ઘરનું બારણું ખોલ્યું ત્યારે તેના પર કોરોસિવ પ્રવાહી છાંટવામાં આવ્યું હતું. આના પરિણામે તેના ચહેરા, ગરદન અને શરીર પર દાઝી જવાથી હોસ્પિટલમાં પાંચ દિવસ ઈન્ટેન્સિવ કેરમાં ગાળવા પડ્યાં હતાં. વિકી માતાપિતાના મૃત્યુથી અસલામત અવસ્થામાં હતી ત્યારે તે રફીકના સંપર્કમાં આવી હતી.આ પછી તેણે રફીક સાથે સંબંધો ચાલુ ન રાખવા નિર્ણય લીધો હતો, જેના પરિણામે રફીક ગુસ્સે ભરાયો હતો. તેણે હોમ્સ મારફત વિક્કી પર એસિડ ફેંકાવ્યો હતો.