બર્મિંગહામના પ્લીમ્પટન કાર પાર્કમાં પોતાના સ્કૂટર્સ સાથે રમતાં નાના બાળકોને રોકડ રકમોની લહાણી કરતી બર્મિંગહામની એક વ્યક્તિને પોલીસે સખત ચેતવણી આપી હતી. બાળકોની માતાઓએ ૬૦ વર્ષની આસપાસની એક વ્યક્તિ દ્વારા તેમના બાળકોને સ્કૂટર્સ અને સ્કેટબોર્ડ્સની ટ્રિક્સ કરવા બદલ અપાતી રોકડ રકમ બાબતે સોશિયલ મીડિયામાં ચિંતા વ્યક્ત કરી હતી. બાળકોએ આની જાણ કરવાથી પેરન્ટ્સે પોલીસને માહિતી આપી હતી.
એક માતાએ ‘પ્લીમથલાઈવ’ને જણાવ્યું હતું કે મારા દીકરાએ સ્કૂટર સાથે ટ્રિક કરતા તે વ્યક્તિએ તેને ૨૫ પાઉન્ડ આપ્યા હતા. અન્ય એક બાળકને ૧૦ પાઉન્ડ આપી મિત્રો સાથે મીઠાઈ ખાવા જણાવ્યું હતું. સારા વસ્ત્રોમાં સજજ આ વ્યક્તિ ૩-૪ વર્ષના બાળક સાથે પાર્કમાં આવે છે. કેટલાક પેરન્ટ્સે કહ્યું હતું કે વ્યક્તિના ઈરાદા કદાચ પરોપકારી અને નિર્દોષ હોઈ શકે પરંતુ, તમે જે બાળકોને ઓળખતા ન હો તેમને મોટી રકમો આપવાનું યોગ્ય ન ગણાય.
પ્લીમથ પોલીસે જણાવ્યું હતું કે, તેમને પ્લીમ્પટનમાં ચાડેલવૂડ ઓપન સ્પેસ સ્કેટપાર્કની આસપાસ શંકાસ્પદ વર્તન સાથેની વ્યક્તિ અંગે રિપોર્ટ્સ મળ્યા હતા. તે છોકરાઓને ટ્રિક્સ કરવા મોટી રકમ આપતો હતો. તેને સખ્ત શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી.
મેલોરી પાર્કની આતશબાજી રદ
બ્રિટનમાં સૌથી મોટા બોનફાયર નાઈટ કાર્યક્રમોમાં એક ગણાતી મેલોરી પાર્ક આતશબાજી આ વર્ષે રદ કરવામાં આવી છે. લેસ્ટરની આ વાર્ષિક આતશબાજીનો કાર્યક્રમ શુક્રવાર ૬ નવેમ્બરે કિર્કબી મેલોરી મોટર સ્પોર્ટના સ્થળે યોજાવાનો હતો. આયોજકોએ કહ્યું હતું કે કોવિડ-૧૯ના નિયંત્રણો તેમજ કસ્ટમર્સ અને સ્ટાફની સલામતીને ધ્યાનમાં રાખી અમે વાર્ષિક બોનફાયર અને આતશબાજી ઈવેન્ટ યોજીશું નહિ. ૨૦૨૧માં વધુ ભવ્ય કાર્યક્રમ સાથે પાછા આવીશું. આ ઉપરાંત, લેસ્ટરમાં શનિવાર સાત નવેમ્બરે એબી પાર્ક બોનફાયર અને આતશબાજી કાર્યક્રમ પણ નહિ યોજવા લેસ્ટર સિટી કાઉન્સિલે જાહેરાત કરી હતી.
કારચોરીમાં બર્મિંગહામ ત્રીજા ક્રમે
યુકેમાં કારચોરીમાં બર્મિંગહામ ત્રીજા સ્થાને આવ્યું છે. તમારી કાર ગમે ત્યારે ચોરાઈ શકે તેવા અસલામત સ્થળોમાં લંડન મોખરે છે. MoneySupermarket ઈન્સ્યુરન્સ કમ્પેરિઝન સાઈટ અનુસાર ઈસ્ટ લંડનનું ઈલ્ફર્ડ પ્રતિ ૧,૦૦૦ વ્યક્તિએ ૨૦.૩૨ કારની ચોરી સાથે પ્રથમ, રોમફોર્ડ ૧૯.૦૫ની કાર ચોરી સાથે બીજા અને ૧૬ કારની ચોરી સાથે બર્મિંગહામ ત્રીજા સ્થાને રહ્યું હતું. કારની ચોરીના વિસ્તારની દૃષ્ટિએ પ્રતિ ૧,૦૦૦ વ્યક્તિએ ૧૧. ૨ કારની ચોરી સાથે લંડન પ્રથમ છે. આ પછી, વેસ્ટ મિડલેન્ડ્સ (૧૦.૯) અને યોર્કશાયર અને હમ્બર (૭.૯) આવે છે. ડ્રાઈવર તેમની કાર સલામત મૂકી જઈ શકે તેવા સ્થળોમાં સ્કોટલેન્ડ સૌથી આગળ છે. યુકેમાં કાર માટે સૌથી સલામત સ્થળ કર્કવોલ ઓન ઓર્કની આઈલેન્ડસ ટાઉન છે જ્યાં, પ્રતિ ૧,૦૦૦ વ્યક્તિએ માત્ર ૦.૫૫ કાર ચોરાય છે.
લેસ્ટરશાયરની ૪૦થી વધુ શાળામાં કોરોના કેસ
લેસ્ટર સિટી અને લેસ્ટરશાયરની ૪૦થી વધુ શાળા અને કોલેજોમાં ઓટમ ટર્મ શરુ થયાં પછી વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં કોવિડ-૧૯ના સંક્રમણના કેસ બહાર આવ્યા છે. લેસ્ટરશાયર કાઉન્ટી કાઉન્સિલના શિક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉનાળાની રજાઓ પછી ખોલાયેલી ૨૫ કાઉન્ટી સ્કૂલ્સમાં કોવિડ-૧૯ કેસ જણાયા હતા. લેસ્ટરમાં ઓછામાં ઓછી ૧૯ સ્કૂલ્સમાં વાઈરસ સંક્રમણ થયું હતું. સંક્રમિત સ્ટાફ અને વિદ્યાર્થીઓને ૧૫ દિવસ માટે એકાંતવાસમાં મોકલી દેવાયા હતા. જોકે, સંક્રમિતોની સંખ્યા ઓછી હોવાથી પેરન્ટ્સને ચિંતા નહિ કરવા જણાવાયું હતું. લેસ્ટર સિટી અને કાઉન્ટીની ૪૦૦ જેટલી શાળાઓના ૧૫૦,૦૦૦ જેટલા બાળકો નવી ટર્મથી શાળામાં ફરી જોડાયાં છે.
મૃત વ્યક્તિના નામે £૩૦,૦૦૦ના બેનિફિટ્સ લીધાં
વર્ષો પહેલાના મૃત વ્યક્તિઓની સંભાળ લેનારા (કેરર)નો સ્વાંગ રચી લેસ્ટરના ફેરફેક્સ ક્લોઝમાં રહેલી ૪૯ વર્ષની ઈવેટા સ્ટોજકોવાએ ૩૦,૯૫૭ પાઉન્ડના બેનિફિટ્સ મેળવવાની છેતરપિંડી આચરી હતી. સ્ટોજકોવાએ જાન્યુઆરી ૨૦૦૯થી જાન્યુઆરી ૨૦૧૫ના ગાળામાં આચરેલી છેતરપિંડીના ચાર ગુનાની કબૂલાત કરી હતી. લેસ્ટર ક્રાઉન કોર્ટે તેને ૯ મહિનાની જેલની સજા ફરમાવી હતી જેને ૧૮ મહિના માટે સસ્પેન્ડ રખાઈ હતી. તેને ૨૫૦ પાઉન્ડની પ્રોસીક્યુશન કોસ્ટ ચૂકવવાનો પણ આદેશ કરાયો હતો. મૂળ સ્લોવેકિયાની સ્ટોજકોવા ઓગસ્ટ ૨૦૦૮માં યુકે આવી હતી. આ ગુનામાં તેના સાથીદારને અગાઉ જ અન્ય ગુનામાં દેશનિકાલ કરાયો છે.