બર્મિંગહામઃ લાખો પાઉન્ડની બનાવટી વસ્ત્રોની ફેક્ટરી ચલાવતા ૬૭ વર્ષીય બિઝનેસમેન ઈન્દરજિત સાંગુને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે સોમવાર ૨૩ ઓગસ્ટે ચાર વર્ષની જેલની સજા ફરમાવી છે. તેની હોક્લીસ્થિત ફેક્ટરીમાંથી મોનક્લેર, કેનેડા ગૂઝ, નાઈકે, એડિડાસ, પ્રાડા, રાલ્ફ લોરેન, વેરસાસે, હ્યુગો બોસ અને લાકોસ્ટે જેવી મોટી લક્ઝરી બ્રાન્ડ્સના હજારો નકલી લેબલ્સ અને ક્લોધિંગ આઈટેમ્સ જપ્ત કરાઈ હતી. દેશભરના બજારોમાં તે નકલી બ્રાન્ડેડ વસ્ત્રો સપ્લાય કરતો હતો.
ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓએ ૨૦૧૯માં બે ટ્રાન્સપોર્ટ વાહનોને આંતરી તેમાંથી બનાવટી વસ્ત્રોના અસંખ્ય બોક્સ જપ્ત કર્યા હતા. કેટલાક બોક્સ પર ઈન્દરજિત બર્મિંગહામ છપાયેલું હતું. અધિકારીઓએ તેના પાર્ક રોડના યુનિટ પર દરોડો પાડી ૪૦,૦૦૦થી વધુ બનાવટી લેબલ્સ અને આવા બ્રાન્ડેડ લેબલ સાથે લાકો પાઉન્ડના વસ્ત્રો કબજે લીધા હતા. કોલ્સ લેન, વેસ્ટ બ્રોમવિચના સાંગુએ ૨૬ ટ્રેડ માર્ક ગુનાની કબૂલાત કરી હતી. સાંગુ ઓછામાં ઓછાં ૨૦૧૬થી બનાવટી વસ્ત્રોના ધંધામાં સંકળાયેલો હોવાનું મનાય છે.
મોટા ભાગની બ્રાન્ડ્સના વસ્ત્રોની બજારકિંમત સેંકડો પાઉન્ડની હોય છે. પ્રોસીક્યુટર માર્ક જેક્સનની ગણતરી મુજબ પકડાયેલા બનાવટી લેબલ્સ વસ્ત્રોની ઓછામાં ઓછી કિંમત મૂકાય તો પણ પાંચ મિલિયન પાઉન્ડના મૂલ્યના સામાન માટે હતા. આ ધંધો તદ્દન પ્રોફેશનલ અને ભારે પ્રોફિટ સાથેનો હતો.