બર્મિંગહામ, સોલિહલ, સેન્ડવેલ લોકડાઉન હેઠળ

Tuesday 15th September 2020 13:37 EDT
 
 

બર્મિંગહામઃ ઈંગ્લેન્ડમાં સોમવારથી ‘રુલ ઓફ સિક્સ’ અમલી થવા સાથે મંગળવાર ૧૫ સપ્ટેમ્બરથી બર્મિંગહામમાં લોકડાઉન લાદવાની જાહેરાત કરાઈ છે. બર્મિંગહામ અને નજીકના સોલિહલ અને સેન્ડવેલ વિસ્તારોના ૧.૫ મિલિયનથી વધુ લોકો ખાનગી મકાનો, પબ્સ, રેસ્ટોરાં થવા ગાર્ડ્ન્સમાં પોતાના પરિવાર સિવાયના અન્ય વ્યક્તિ સાથે હળીમળી શકશે નહિ. ગત સપ્તાહમાં કોરોના વાઈરસના સંક્રમણથી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવવાથી લોકડાઉનનું પગલું લેવાયું છે.

વેસ્ટ મિડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટે ૧૫ સપ્ટેમ્બરથી અમલી થનારા લોકડાઉન નિયમોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે લોકો પોતાના ઘર અને સપોર્ટ બબલ સિવાયની બહારની વ્યક્તિઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની અંદર કે બહાર સામાજિક મેળમિલાપ કરી શકશે નહિ. આ પ્રતિબંધ સમગ્ર બર્મિંગહામ, સોલિહલ અને સેન્ડવેલને લાગુ પડશે. આ નિયમ કે પ્રતિબંધ બે પરિવારો વચ્ચે મેળમિલાપ અંગે જ છે, શાળા, વર્કપ્લેસીસ, ટ્રાન્સપોર્ટ કે અન્ય વિકલ્પોને લાગુ પડશે નહિ.

બર્મિંગહામનો સાત દિવસનો સંક્રમણ દર પ્રતિ ૧૦૦,૦૦૦ વ્યક્તિએ ૭૮ સુધી પહોંચી જતા બોરિસ સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચે બે દિવસની ગંભીર ચર્ચાના પગલે લોકડાઉન લાદી દેવાયું છે. યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ NHS ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ડો. ડેવિડ રોસ્સેરે કહ્યું હતું કે શહેરની હોસ્પિટલોમાં કોરોના પેશન્ટ્સનું પ્રમાણ સાત દિવસમાં બમણું થઈ ગયું છે. ગત સપ્તાહે ૮૦૦થી વધુ લોકો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.

લિવરપૂલ સિટી સરકારના કોરોના વોચલિસ્ટમાં

દરમિયાન, લિવરપૂલ સિટીને સંક્રમણનું પ્રમાણ વધતાં સરકારના કોરોના વોચલિસ્ટમાં મૂકી દેવાયું છે. કેટરિંગ, ઓડબી એન્ડ વિગ્સ્ટન અને લૂટનમાં સંક્રમણ ઘટતાં તેમને વોચલિસ્ટમાંથી દૂર કરાયા છે. સ્કોટલેન્ડના લેનાર્કશાયરમાં સ્થાનિક કોરોના કેસીસ વધવા સાથે લોકડાઉન વધુ કડક બનાવાયું છે. ગત સપ્તાહમાં ૨૦૫ પોઝિટિવ કેસ જોવા મળ્યા હોવાથી ૧૧ સપ્ટેમ્બર શનિવારથી નોર્થ અને સાઉથ લેનાર્કશાયર કાઉન્ટીના વિસ્તારોમાં અન્ય ઘર-પરિવારોની મુલાકાતો પર નિયંત્રણો લાગી ગયા હતા. આ નિયંત્રણો ગ્લાસગો સિટી, ઈસ્ટ રેન્ફ્રયુશાયર, રેન્ફ્રયુશાયર, ઈસ્ટ અને વેસ્ટ ડન્બાર્ટનશાયરમાં હાલના નિયંત્રણો જેવાં જ છે, જેની સાત દિવસ પછી સમીક્ષા કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter