બર્મિંગહામઃ યુરોપની સૌથી મોટી લોકલ ઓથોરિટી- બર્મિંગહામ સિટી કાઉન્સિલ દ્વારા કરાયેલા સર્વેના આંચકાજનક તારણો અનુસાર કાઉન્સિલમાં ભરતીમાં શ્વેત અરજદારોની તુલનાએ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સ્ટાફની નિમણૂક થવાની શક્યતા કે તક ઓછી રહેલી છે અથવા તેમને ઓછું વેતન ચૂકવાય છે.
કાઉન્સિલના નેતાઓ દ્વારા વર્કફોર્સ રેસ ઈક્વિટી રીવ્યૂ હાથ ધરાયો હતો જેમાં ઘટસ્ફોટ થયો હતો કે બર્મિંગહામમાં અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી લોકોની વસ્તી ૬૭ ટકા હોવાં છતાં, તેમને મુખ્ય ભૂમિકારુપ કાર્ય ઓછું મળે છે તેમજ સુપરવાઈઝરી અને મેનેજમેન્ટ સ્તરે તેમની સંખ્યા નહિવત્ છે. કેબિનેટ મેમ્બર ફોર સોશિયલ ઈન્કલુઝન, કોમ્યુનિટી સેફ્ટી એન્ડ ઈક્વલિટીઝના કાઉન્સિલર જ્હોન કોટને રીવ્યૂના તારણોને આંચકાજનક ગણાવી અસમાનતા દૂર કરવાના કેટલાક પગલાં સૂચવ્યા હતા. તેમણે કાઉન્સિલનો વર્કફોર્સ બર્મિંગહામનું વાસ્તવિકપણે પ્રતિનિધિત્વ કરે તે જરુરી હોવાનું જણાવ્યું હતું.
કાઉન્સિલર કોટને કહ્યું હતું કે બર્મિંગહામના મુખ્ય એમ્પ્લોયર્સમાં એક તરીકે અમારી વધુ સારું કાર્ય કરવું જોઈએ. જોકે, અન્ય ઘણી સંસ્થાઓ પણ અમારા જેવી જ છે. એક મિલિયનથી વધુ વૈવિધ્યસભર વસ્તી સાથે બર્મિંગહામે આ રિપોર્ટમાં દર્શાવેલી વેતનખાઈ દૂર કરવાનો પણ પ્રયાસ કરવો પડશે. રીક્રુટમેન્ટ, પસંદગી, સાંસ્કૃતિક પરિવર્તન અને સ્ટાફનો વિશ્વાસના સંપાદન સહિતના કેટલાક ચાવીરુપ ક્ષેત્રોમાં કામગીરી શરુ કરી દેવાઈ છે. તેમણે કાઉન્સિલના લીડર ઈઆન વોર્ડ, કેબિનેટના તમામ સાથીઓ, કાર્યકારી ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ ટેલર અને કાઉન્સિલની લીડરશિપ ટીમનું સમર્થન હોવાનું પણ જણાવ્યું હતું.