બર્મિંગહામઃ સેંકડો ભાવિકોએ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, હોલ ગ્રીન બર્મિંગહામ ખાતે દિવાળી અને નૂતન વર્ષની બે દિવસની રંગેચંગે ઉજવણીમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. રવિવાર, ૩૦ ઓક્ટોબર અને સોમવાર ૩૧ ઓક્ટોબરે યોજાયેલી આ ઉજવણીમાં વેસ્ટ મિડલેન્ડ્સના મેયરપદના કન્ઝર્વેટિવ ઉમેદવાર એન્ડ્રયુ સ્ટ્રીટ, કાઉન્સિલરો બેરી બોવલ્સ, કેરી જેન્કિન્સ તથા સામ બરડાન અને ઈન્ટફેઈથ રિલેશન્સના ડો. એન્ડ્રયુ સ્મિથ સહિત મહેમાનો ઉપસ્થિત હતા.
હિન્દુ કેલેન્ડરના સૌથી મહત્ત્વના ઉત્સવમાં દાન-સખાવત, શુભેચ્છા, પારિવારિક મૂલ્યો અને ઈશ્વર પ્રત્યે પ્રેમની ઉજવણી થાય છે. ભારતીય પરંપરામાં તેજથી ઝગારા મારતા દીવડાં, ભાતીગળ રંગોળીની સજાવટ, સેંકડો પ્રકારની સ્વાદિષ્ટ ભારતીય શાકાહારી વાનગીઓ તેમજ નાના બાળકોની પ્રતિભા દર્શાવતું પ્રદર્શન આ ઉજવણીઓનું કેન્દ્ર બની રહ્યાં હતાં.
સમગ્ર વિશ્વના ભાવિકો દ્વારા તૈયાર કરાયેલી અને આભાર વ્યક્ત કરવા ઈશ્વરને પરંપરાથી ધરાવાતી ૩૦૦થી વધુ શુદ્ધ શાકાહારી વાનગીઓથી સમૃદ્ધ ‘અન્નકૂટ’ આકર્ષણનું કેન્દ્ર હતો. બાળકોએ ‘કિડ્ઝ ઝોન’માં ગેમ્સ, ચહેરા પર પેઈન્ટિંગ અને હાથ પર મહેંદી મૂકવાનો આનંદ માણ્યો હતો. લોકોએ બૂક સ્ટોલ્સ અને ફૂડ સ્ટોલ્સનો પણ લાભ લીધો હતો. દિવસના અંતે બધાને ‘અન્નકૂટ’માં મૂકાયેલી વાનગીઓનો પ્રસાદ મેળવવાની તક સાંપડી હતી.
એન્ડ્રયુ સ્ટ્રીટે લોકોને સંબોધતા કહ્યું હતું કે,‘પ્રચારમાં ભારે વ્યસ્તતા પછી વાસ્તવમાં આ મારો પ્રથમ લોકસંપર્ક છે અને નવા વર્ષના આરંભ માટે આનાથી વધારે સારું શું હોઈ શકે. મંદિરમાં કરાતા કોમ્યુનિટી કાર્ય અને સંકળાયેલા તમામ લોકોનાં ઉત્સાહથી હું પ્રભાવિત થયો છું. મારા ઉષ્માપૂર્ણ સ્વાગત માટે હું સર્વનો આભારી છું.’
‘પ્રકાશના પર્વ’ નામે પણ ઓળખાતી તેમજ અનિષ્ટ પર શુભના વિજયના પ્રતીક સમાન દિવાળી (૩૦ ઓક્ટોબર)ના દિવસે ચોપડાપૂજનનું મહત્ત્વ છે. આ દિવસે વેપારીઓ આગામી વર્ષ માટે પોતાના હિસાબી ચોપડાનું વિશેષ પૂજન કરે છે. આ પછી, ઈશ્વરના પ્રેમ, ઊર્જા અને આશીર્વાદ મેળવવા દેવમૂર્તિઓની આરતી ઉતારવામાં આવી હતી. સમર્પિત સ્વયંસેવકોની અનેક સપ્તાહોની મહેનતપૂર્ણ તૈયારીથી આયોજિત ઉજવણીમાં ભાગ લેવા લોકો હિન્દુ નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૭૩ના આરંભે (૩૧ ઓક્ટોબરે) મંદિરમાં ઉમટ્યાં હતાં.