બર્મિંગહામઃ ૨૦૧૭ના નવેમ્બરમાં બર્મિંગહામના રૂકરી રોડ પર રસ્તો ઓળંગી રહેલી મહિલા કૃષ્ણાદેવી દ્રોયને ટ્ક્કર લગાવીને તેમનું મૃત્યુ નીપજાવવાની ઘટનામાં બર્મિંગહામ કોર્ટે ૩૪ વર્ષીય મોહમ્મદ ઈશ્ફાકને છ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફરમાવી હતી. તે ઉપરાંત, તેના ડ્રાઈવિંગ લાઈસન્સ પર દસ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. તેને ફરીથી લાઈસન્સ આપતા પહેલા તેની સંપૂર્ણ તપાસનો કોર્ટે હુકમ કર્યો હતો.
તેઓ પ્રાર્થનામાં જઈ રહ્યા હતા ત્યારે વકઝોલ ઝફીરા કાર ચાલક ઈશ્ફાકે ક્રોસીંગ પોઈન્ટ પર સેન્ટ્રલ બોલેર્ડ્સની રોંગ સાઈડમાં કાર હંકારીને તેમને ટક્કર મારી હતી. તેથી કૃષ્ણાદેવી રેલીંગ સાથે અથડાઈને પેવમેન્ટ પર ફેંકાઈ ગયા હતા. ગંભીર ઈજાને લીધે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઈશ્ફાક કાર લઈને ભાગી ગયો હતો. તેની કાર અંદાજે બે માઈલ દૂર બળેલી સ્થિતિમાં મળી આવી હતી. તે પહેલા ડ્રગના ડીલમાં તકરારને પગલે તે બચવા માટે નાસી છૂટ્યો હતો અને રોંગ સાઈડે કાર હંકારીને કૃષ્ણાદેવીને ટક્કર મારી હતી. ઈશ્ફાક કાર હંકારતો હતો તે પૂરવાર કરવા સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરાયો હતો. કૃષ્ણાદેવીના કુટુંબમા તેઓ જ મુખ્ય હતા. તેઓ માતા હોવા ઉપરાંત પુત્રી, બહેન, દાદી અને કાકી હતા.