બર્મિંગહામઃ ગત ૧૮મી નવેમ્બરે ઘરમાં લાગેલી આગમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી ૨૪ વર્ષીય સાઈકા પરવીનનું ગૂંગળાઈ જવાને લીધે મૃત્યુ થયું હતું. ફાયરમેનને તે ભોંય પર ફસડાયેલી હાલતમાં મળી હતી. પરંતુ તેને બચાવી શકાઈ નહોતી. સળગતી સિગારેટ ફેંકવાથી આ આગ લાગી હતી. એરિયા કોરોનર એમ્મા બ્રાઉને પરવીનનું મૃત્યુ અકસ્માતના પરિણામે થયું હોવાનો ચુકાદો આપ્યો હતો.
ટેસ્કોની પૂર્વ કર્મચારી અને ત્રણ વર્ષના પુત્રની માતા સાઈકાપરવીન બોર્ડસલે ગ્રીન હોમ ખાતે મિત્રો સાથે ડ્રીંક્સ અને સ્મોકિંગ કરતી હતી. આ મહેમાનો વહેલી સવારે ૫.૩૦ વાગે ઘરેથી ગયા હતા. બપોરે તેના પિતાએ ફોન કર્યો પણ તે ન ઉપડતા તેઓ ઘરે ગયા હતા અને દરવાજો ખોલતાં જ ધુમાડાના ગોટેગોટા બહાર આવ્યા હતા. ઘરની બહાર નીકળતા પહેલા તેમણે મોં પર કપડું ઢાંકીને અંદર પરવીનને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પછી તેમણે ૯૯૯ ડાયલ કર્યો હતો.
સ્ટોર રૂમ તરીકે ઉપયોગમાં લેવાતા ઘરના નીચેના ભાગે લાગેલી આગ લાંબા સમય સુધી ચાલી હોવાનું મનાય છે. પરવીન ઉપરના માળે સૂતી હશે અને જાગ્યા બાદ તેણે ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ ધુમાડાને લીધે તે ગૂંગળાઈ ગઈ હશે.