બર્મિંગહામઃ ઈટાલીમાં પારિવારિક રજાઓ માણવા ગયેલા બર્મિંગહામના ૫૩ વર્ષીય બલદેવ કાઈન્થનું તેમના ૨૦ વર્ષીય ભત્રીજા ગૌરવ કાઈન્થે હત્યા કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રોપર્ટીના મુદ્દે વિવાદમાં ગૌરવે કાકાના માથામાં લોખંડના સળિયાથી ઘા કર્યો હોવાનું કહેવાય છે. મિત્રો, પડોશીઓ અને પરિવારજનોએ બલદેવ કાઈન્થને પ્રેમાળ અને સારા વ્યક્તિ ગણાવી અંજલિ અર્પી હતી.
ત્રણ સંતાનના પિતા બલદેવ કાઈન્થ ઈટાલીમાં નેપલ્સની ઉત્તરે સેસા ઓરુન્કા નગરમાં રજાઓ માણવા ગયા હતા ત્યારે ભારતમાં આવેલી પરિવારની મિલકતો સંબંધે વિવાદમાં ભત્રીજાએ તેમની હત્યા કરી હોવાનું ઈટાલિયન મીડિયાના અહેવાલોએ જણાવ્યું હતું. હોસ્પિટલમાં લઈ જવાયા પછી બીજી ઓગસ્ટે બલદેવ કાઈન્થનું મોત થયું હતું. ગૌરવ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો, જેની ધરપકડ ફોન્ડી સિટીમાંથી કરાઈ હતી. તેને પોલીસ કસ્ટડીમાં રખાયો હતો.