બર્મિંગહામઃ મિડલેન્ડ્સના સૌથી મોટા અને લોકપ્રિય મંદિરોમાં સ્થાન ધરાવતા એક મંદિરના ભક્તો એમ માને છે કે થોડા ધનવાન લોકો શ્રી વેંકટેશ્વરા બાલાજી ટેમ્પલ (SVBT)નું એકહથ્થુ સંચાલન ખાનગી કંપનીની માફક કરવા માગે છે, જેથી તેઓ કોઈને જવાબદાર રહે નહિ. સભ્યોનું કહેવું છે કે મંદિરના વર્તમાન બંધારણમાં લોકશાહી, પારદર્શિતા તેમજ સભ્યો અને સ્ટેકહોલ્ડર્સ પ્રત્યે જવાબદારીનો અભાવ જોવાં મળે છે.
ચેરિટી કમિશન અનુસાર SVBTમાં ત્રણ ટ્રસ્ટી છે. જોકે, દસ્તાવેજો મુજબ મંદિરના મૂળ સ્થાપકો સહિત ૧૧ ટ્રસ્ટી છે, જેમાં નવ સ્વનિયુક્ત અને બે ચૂંટાયેલા ટ્રસ્ટી છે. SVBT ચેરિટેબલ ટ્રસ્ટને હસ્તગત કરવાના કથિત પ્રયાસને ટાળવા સભ્યો આર્ટિકલ્સ ઓફ એસોસિયેશનને સુધારવા માગે છે. આ માટે ૧૭ જાન્યુઆરી, રવિવારે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકનો હેતુ ચેરિટેબલ કંપની ટિવિડેલ તિરુપથી બાલાજી ટેમ્પલને જવાબદાર, લોકશાહીપૂર્ણ અને પારદર્શક બનાવવા માટે આર્ટિકલ્સ ઓફ એસોસિયેશનને સુધારવાની દરખાસ્ત પર મતદાન કરવાનો છે. વધુ માહિતી માટે www.savebalajitemple.com વેબસાઈટની મુલાકાત કરી શકાશે.