બર્મિંગહામઃ ભારતના ગુજરાતમાં દારુબંધી છે તેના કારણે લોકો વિકાસના ફળ અનુભવી રહ્યા છે. આ જ રીતે બર્મિંગહામમાં ૧૨૦ વર્ષ અગાઉ ઐતિહાસિક બોર્નવિલે ગામની સ્થાપના કરાઈ ત્યારથી ત્યાં દારુબંધી ચાલતી આવી છે. જોકે, ગામને અડીને આવેલા મેરી વેલ ન્યુઝના સંચાલક કમલ શર્મા આર્થિક વિકાસના મુદ્દે દારુબંધીનો અંત લાવવામાં સફળ થયા છે. બર્મિંગહામ સિટી કાઉન્સિલે તેમને આલ્કોહોલ વેચવા પરવાનગી આપી છે. આ શોપ ‘ડ્રાય ઝોન’થી થોડાંક મીટર જ દૂર છે. જોકે, ગામવાસીઓ ગામને આલ્કોહોલથી મુક્ત રાખવા સંઘર્ષ ચલાવી રહ્યા છે.
જ્યોર્જ કેડબરીએ બર્મિંગહામમાં બોર્નવિલે ગામની સ્થાપના કરી ત્યારે ત્યાં વસાવેલા વર્કર્સને ઊંચા વેતન, શાળા અને મનોરંજન સહિતની તમામ સુવિધા અપાઈ હતી. માત્ર શરાબ સિવાય તેમની પાસે બધું જ હતું. કેડબરીનું ૨૦૧૦માં વેચાણ કરી દેવાયા પછી ગામના બિઝનેસીસને અસર થઈ છે. હવે ન્યૂઝએજન્ટ કમલ શર્માએ પોતાનો સ્ટોર્સ બરાબર ચાલતો રહે તે માટે શરાબના વેચાણનું લાયસન્સ મેળવવા બર્મિંગહામ સિટી કાઉન્સિલ સમક્ષ કરેલી અરજી પર ૪૦૦થી વધુ ગ્રાહકોએ સમર્થનમાં સહી કરી હતી.
જોકે, ૨૦૦૭માં ટેસ્કો દ્વારા કરાયેલા પ્રયાસ સામેની લડતમાં ગામવાસીઓનો વિજય થયો હતો. ધ બોર્નવિલે વિલેજ ટ્રસ્ટે જણાવ્યા અનુસાર શરાબના લાયસન્સથી અસામાજિક વર્તણૂકને ઉત્તેજન મળશે અને ગામની વિશિષ્ટતાને નુકસાન થશે. સ્થાનિક કાઉન્સિલરો ટિમોથી હક્સટેબલ અને રોબસિલેએ ગામવાસીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ‘બોર્નવિલેના સ્થાપક જ્યોર્જ કેડબરીએ ગામમાં શરાબના લાયસન્સ કે પબ ના હોય તેવો ઈરાદો રાખ્યો હતો. અમે અનોખી સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા ઈચ્છીએ છીએ.’