બર્મિંગહામઃ બ્લેક કન્ટ્રી ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની બ્રિઅર્લી હિલ નજીક ૩૦ સપ્ટેમ્બર બુધવારે બે વ્યક્તિ પાર્ક કરેલી કારમાં ઠાર કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બે પુરુષની ઓળખ વિલિયમ હેન્રી અને બ્રિઆન મેકિન્ટોશ તરીકે કરવામાં આવી છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે બેવડી હત્યા બાબતે સ્ટોરબ્રિજના ૩૨ વર્ષીય જોનાથન હાઉસમેન સામે આરોપ દાખલ કર્યા છે અને તેને સોમવાર, પાંચ ઓક્ટોબરે બર્મિંગહામ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો.
મૃતક બ્રિઆન મેકિન્ટોશ અને વિલિયમ હેન્ની બંને સફળ એમેચ્યોર બોક્સર હતા. તેમની હત્યાથી બોક્સિંગ જગતમાં અરેરાટી વ્યાપી હતી. જોનાથન હાઉસમેન સામે વિલિયમ હેન્રી અને બ્રિઆન મેકિન્ટોશની હત્યાનો આરોપ લગાવાયો છે. તેણે કોર્ટમાં હાજર થઈ છ મિનિટની સુનાવણીમાં પોતાના નામ, સરનામા અને જન્મ તારીખ જણાવ્યા હતા.
બ્રિઅર્લી હિલની મૂર સ્ટ્રીટથી થોડે દૂર પાર્ક કરાયેલી એક કારમાં વિલિયમ હેન્રી (૩૧) અને બ્રિઆન મેકિન્ટોશ (૨૯) ની લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. તેઓ બન્ને બાર્ટલી ગ્રીનના રહેવાસી હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમને ગોળીથી ઠાર કરાયા હોવાનું સ્થાપિત થયું હતું. વેસ્ટ મિડલેન્ડ્સ એમ્બ્યુલન્સ સર્વિસને બપોરના ૩.૩૦ કલાકે બોલાવાઈ હતી. બુધવાર ૩૦ સપ્ટેમ્બરની આ ઘટના બાબતે પોલીસનું માનવું હતું કે લાશ મળી આવ્યાના આશરે બે કલાક પહેલા એટલે કે બપોરના એકાદ વાગ્યાની આસપાસ હત્યા થઈ હોઈ શકે.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના હોમિસાઈડ યુનિટના ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર જિમ મુનરોએ કહ્યું હતું કે ‘આ બે યુવાનોની હત્યા ઘણી દુઃખદ છે અને મારી દિલસોજી તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે છે. અમને શું થયું હશે તે શોધવા સઘન પ્રયાસ કરી રહ્યા છીએ. શકમંદની ધરપકડ નોંધપાત્ર છે.’ પોલીસે આ વિસ્તારમાં કોઈએ કશું શંકાસ્પદ નિહાળ્યું કે સાંભળ્યું હોય અથવા ઘટના વિશે કોઈ માહિતી હોય તો તત્કાળ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. પોલીસે શંકાના આધારે લેન્કેશાયરના કાર્નફોર્થમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી બીજી ઓક્ટોબરે તેની પૂછપરછ આદરી હતી. અપરાધીને મદદ કર્યાની શંકાએ વધુ એક વ્યક્તિની પણ ધરપકડ કરાઈ હતી.