બ્રેક્ઝિટ પ્રક્રિયા માર્ચ ૨૦૧૭ના અંતે શરૂ, યુકે ‘સંપૂર્ણ સ્વતંત્ર, સાર્વભૌમ’ રાષ્ટ્રઃ થેરેસા

Wednesday 05th October 2016 07:15 EDT
 
 

બર્મિંગહામઃ વડા પ્રધાન થેરેસા મેએ કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં તમામ અટકળોનો અંત લાવીને યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર જવાની પ્રક્રિયાનો આરંભ માર્ચ, ૨૦૧૭ના અંતથી થઇ જશે તેવી જાહેરાત કરી છે. આ રીતે ૨૦૧૯ સુધીમાં બ્રિટન ઈયુને છોડી શકશે. આ વિષય પર પોતાનાં પ્રથમ મહત્ત્વપૂર્ણ સંબોધનમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે યુકે ‘સંપૂર્ણ સ્વતંત્ર, સાર્વભૌમ’ રાષ્ટ્ર બનશે. આ સાથે તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ યુરોપના સિંગલ માર્કેટથી અળગાં થવાં ઈચ્છે.

‘ગ્રેટ રિપીલ બિલ’ લાવવાનું પણ વચન

વડા પ્રધાને જ્યારે સંસદની કાર્યવાહી શરૂઆત થાય ત્યારે ક્વીનના આગામી સંબોધનમાં ‘ગ્રેટ રિપીલ બિલ’નું પણ વચન આપ્યું હતું. અનેક નિષ્ણાતોની અટકળ એવી હતી કે બ્રેક્ઝિટ પ્રક્રિયા મે મહિનામાં યોજાનારી ફ્રેન્ચ પ્રમુખની ચૂંટણી સુધી મોકુફ રખાશે અને ૨૮ દેશોના વેપાર બ્લોકમાંથી બ્રિટનને અળગા રાખવાના કાયદાને પણ રદ કરાશે તેમજ ૨૩ જુનના રેફરન્ડમના પગલે યુરોપિયન કોમ્યુનિટીઝ એક્ટ ૧૯૭૨ને પણ દૂર કરાશે. '

મેએ લિસ્બન ટ્રિટીની કલમ ૫૦ હેઠળ બ્રેકઝિટને સમર્થન આપ્યું હતું આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટરથી બ્રેકઝિટનો સમયગાળો બે વર્ષનો રાખવામાં આવ્યો હતો. સિંગલ માર્કેટની સુવિધા કરતા પણ ઈમિગ્રેશન મુદ્દે નિયંત્રણ હાંસલ કરવું વધુ મહત્ત્વપૂર્ણ ગણાશે તેમ કહેતાં મેએ ‘હાર્ડ બ્રેક્ઝિટ’ તરફનો ઝોક દર્શાવ્યો છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે બ્રેક્ઝિટના ટાઈમટેબલની જાહેરાતને આવકારી હતી.

ઈમિગ્રેશનનો સંપૂર્ણ અંકુશ બ્રિટનને હસ્તક

પાર્ટીના વાર્ષિક અધિવેશનમાં સમર્થકોની ચિચિયારીઓ વચ્ચે વડા પ્રધાને કહ્યું હતું કે બ્રિટન ઈમિગ્રેશનનો સંપૂર્ણ અંકુશ સ્વહસ્તક રાખવાનો આગ્રહ ધરાવશે અને યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના અધિકારક્ષેત્રને માન્ય રાખવા સ્પષ્ટ ઈનકાર કરશે. થેરેસાએ સિંગલ યુરોપિયન માર્કેટને છોડવાનો નિર્ધાર કરી લીધો હોવાનું તેમની ટીમે નકાર્યું છે. જોકે, થેરેસા મેએ પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં ઝંપલાવ્યું ત્યારથી જ સિંગલ માર્કેટ કરતા ઈમિગ્રેશન અંકુશને પ્રાધાન્ય આપવાના સંકેતો આપ્યાં છે. બીજી તરફ, ઈયુ વર્કર્સની મુક્ત હેરફેર અને યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસની દેખરેખને સિંગલ માર્કેટના અનિવાર્ય સ્થંભ માને છે. જોકે, બ્રેક્ઝિટ સોદાબાજીની રુપરેખા તબક્કાવાર બહાર આવશે.

બ્રિટન નવેસરથી કરકસરના માર્ગે જશે

ચાન્સેલર ફિલિપ હેમન્ડે બ્રિટનને નવેસરથી કરકસરના માર્ગે લઈ જવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જાહેર કરજનું વર્તમાન સ્તર નિભાવી શકાય નહિ. તેમણે પાર્ટી કોન્ફરન્સને જણાવ્યું હતું કે બ્રેક્ઝિટના કારણે થનારી અસરોને હળવી બનાવવા ટેક્સમાં કાપ મૂકાઈ શકે છે. અર્થતંત્રને અરાજકતાથી બચાવવા તમામ પગલાં ભરાશે. મંદી આવે તો VAT અને બિઝનેસ રેટ્સને ઘટાડવાનું પણ તેઓ વિચારશે. ચાન્સેલરે સ્પષ્ટ કર્યું હતું કે ઈયુ છોડવાથી બ્રિટન માટે યુગનો અંત નહિ પરંતુ, નવા યુગનો આરંભ બની રહે તેમ તેઓ જોશે.

બ્રિટન પાસે સીમા પર અંકુશની સત્તા જરુરીઃ ડેવિસ

બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ સોદાના હિસ્સારુપે બ્રિટન પાસે પોતાની સરહદો પર અંકુશની સત્તા હોવી જ જોઈએ. બ્રિટન ઈયુ છોડશે ત્યારે સિટીની ૭૫,૦૦૦ નોકરીઓ ગુમાવવી પડશે તેવી ચેતવણીઓને તેમણે ફગાવી હતી. બ્રેક્ઝિટ સેક્રેટરીએ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જ્યારે વાટાઘાટો કરાશે ત્યારે અમે અહીં ઈયુ નાગરિકોના અધિકારનું રક્ષણ કરીશું, જ્યાં સુધી યુરોપમાં બ્રિટિશરો સાથે આવો વ્યવહાર થશે. આ માટે ચોક્કસ સહમતિ મળવાની મને આશા છે. જે લોકોએ બ્રિટનને પોતાનું ઘર બનાવ્યું છે તેમના તરફ તિરસ્કાર અને ભેદભાવ દાખવતા લોકોને મારે એટલું જ કહેવાનું છે કે તેમના માટે અમારા સમાજમાં કોઈ સ્થાન નથી.

પરિણામ નહિ આપતી યોજનાઓ રદ કરાશે

ઈન્ટરનેશલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વિદેશમાં બ્રિટિશ સહાયના ખર્ચાતા દરેક પાઉન્ડનો હિસાબ રખાશે, જેથી વેડફાટ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન મળે. જે યોજનાઓ પરિણામ આપતી નહિ હોય તેને રદ કરાશે. આંતરરાષ્ટ્રીય સહાય કોમ્યુનિટીને સ્પષ્ટ સંદેશો મળી જશે. તેમણે જીડીપીનો ૦.૭ ટકા હિસ્સો આંતરરાષ્ટ્રીય સહાય માટે ખર્ચવાનું ચાલુ રાખવા ટેકો આપ્યો હતો. પ્રીતિ પટેલે યુકેની સલામતી તેમજ બહાદુર લશ્કરી દળોના બલિદાનોને ન્યાય આપવા ત્રણ વર્ષના સમયગાળામાં અફઘાનિસ્તાનને ટેકા માટે ૭૫૦ મિલિયન પાઉન્ડ ખર્ચવાનું વચન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter