બર્મિંગહામઃ સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી ડિસ્ચાર્જ કરાયા હતા અને તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું હતું.
બલવિન્દર સાફ્રીએ 1990માં ભાંગડા ગ્રૂપની સ્થાપના કરી હતી અને ‘રાહાયે રાહાયે’ અને ‘ચાન મેરે મખાના’ સહિત લોકપ્રિય ગીતોથી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમના મૃત્યુના સમાચારથી લોકોએ લોકપ્રિય ગાયકને શ્રદ્ધાંજલિ અર્પી હતી. બીબીસી એશિયન નેટવર્કના ડીજે ડિપ્સ ભામરાહે તેમને અંજલિ આપતા જણાવ્યું હતું કે તેઓ પંજાબી ભાંગડા મ્યુઝિકના શ્રેષ્ઠ અવાજોમાં એક તરીકે હંમેશાં યાદ રહેશે.
બર્મિંગહામના પંજાબી ગાયક સાફ્રીને હૃદયની સમસ્યાના કારણે 20 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને બે દિવસ પછી ટ્રિપલ બાયપાસ સર્જરી કરાવાની હતી પરંતુ, કોમ્પ્લિકેશન્સ સર્જાતા તેમને તાત્કાલિક સર્જરી માટે લઈજ્ઞ જવાયા હતા. આ પછી તેઓ કોમામાં સરી પડ્યા હતા અનેતેમના મગજને નુકસાન થયાનું સીટી સ્કેન્સથી જણાયું હતું. તેમને 27 દિવસ ક્રિટિકલ વોર્ડમાં રખાયા હતા. હોસ્પિટલમાં દાખલ થયાના 86 દિવસ પછી તેમને ઘેર જવાની છુટ્ટી મળી હતી અને તેમની તબિયત સુધારા પર હતી.