બર્મિંગહામઃ લોકડાઉનના કારણે વેલેન્ટાઈનના દિવસે ટેબલ્સ ખાલી રહેવાની સમસ્યાને ઉકેલવા બર્મિંગહામની બ્રોડ સ્ટ્રીટ પરના ભારતીય રેસ્ટોરાં ‘વારાણસી’ દ્વારા એરોપ્લેનના બિઝનેસ ક્લાસમાં ફૂડ પહોંચાડાય છે તેના પરથી પ્રેરણા મેળવી કસ્ટમર્સની કારમાં સીધાં જ થ્રી કોર્સ મીલ્સ સર્વ કરવામાં આવશે. યુકેમાં પ્રથમ વખત આ પ્રયોગ કરાઈ રહ્યો છે.
બર્મિંગહામ સિટી સેન્ટરમાં હાઈ એન્ડ ભારતીય રેસ્ટોરાં તેમના કસ્ટમર્સને ઈન-કાર ડાઈનિંગનો અનુભવ કરાવશે. રેસ્ટોરાં સ્ટાર્ટર, મેઈન કોર્સ, રાઈસ, નાન અને ડેઝર્ટ ટ્રેમાં રાખી ગ્રાહકોની કારમાં જ પહોંચાડશે. રેસ્ટોરાંના જનરલ મેનેજર અબ્દુલ વહાબે કહ્યું હતું કે ‘અમારા માનવા મુજબ લોકો ઠંડા ટેઈકઅને ફૂડથી કંટાળી ગયા છે. અમે ગ્રાહકોને આનંદપૂર્ણ અનુભવ આપવા કોવિડ નીતિનિયમોને સુસંગત તદ્દન નવું વિચાર્યું છે.’ આ સેવા એરોપ્લેનના બિઝનેસ ક્લાસમાં અપાતા ફૂડ જેવી છે જેમાં, પુષ્પોનું સુશોભન અને લાઈમ ફ્રેસ વાઈપ્સ પણ અપાશે. આ ફૂડ રેસ્ટોરાંમાં અપાય તે રીતે જ મળશે. જોકે, રેસ્ટોરાં સ્ટાફ સાથે ઓછામાં ઓછો સંપર્ક રહે તે માટે ટ્રેથી માંડી કટલરી સુધીની વસ્તુઓ ડિસ્પોઝેબલ રહેશે. હાલ રેસ્ટોરાંમાં મોટા ભાગે રસોઈ તૈયાર કરી ટેઈકઅને બોક્સીસમાં મૂકી પહોંચાડી દેવાય છે.
ગ્રાહકોએ ફોન દ્વારા આગોતરો ઓર્ડર આપવાનો રહેશે અને રેસ્ટોરાંની પાછળના કાર પાર્કિંગમાં ગ્રાહકોના વાહનમાં મીલ્સ પહોંચાડાય તે માટે ચૂકવણી કરવાની રહેશે. કાર પાર્કની માલિકી રેસ્ટોરાંની નથી પરંતુ, પાર્કિંગના માલિક પાસેથી આ હેતુસર પરવાનગી મેળવી લેવાઈ છે. લોકડાઉનના નિયમો અનુસાર રેસ્ટોરાં ટેઈકઅવે ફૂડ પીરસી શકે છે તેમજ ગ્રાહકોની કાર સુધી ફૂડ લઈ જઈ શકે છે. નવેમ્બરથી બંધ કરાયેલું ‘વારાણસી’ રેસ્ટોરાં સપ્તાહમાં ત્રણ દિવસ- શુક્ર, શનિ અને રવિવારે તેની ‘બિઝનેસ ક્લાસ ડાઈનિંગ’ સેવા આપશે.