બર્મિંગહામઃ મિલ્સ્ટન ક્લોઝ ખાતે કાઉન્સિલનું મકાન મેળવવા માટેની અરજીમાં ખોટી માહિતી રજૂ કરવા બદલ મોસલીના ચીન બ્રુક રોડ ખાતે રહેતા ૩૭ વર્ષીય મુબારક અબ્દુલ્લાને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ૧૬ મહિનાની જેલની સજા ફરમાવી હતી. અબ્દુલ્લાએ ઘરવિહોણા માટેની અરજી અને હાઉસિંગની અરજીમાં ખોટી વિગતો રજૂ કરીને ૨૦૧૨માં બ્રેન્ડવુડમાં કાઉન્સિલનું મકાન મેળવ્યું હતું. આ ગુના બદલ બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે ૨૦૧૬માં તેને દોષિત ઠેરવ્યો હતો.
બર્મિંગહામ સિટી કાઉન્સિલને ૨૦૧૪માં માહિતી મળી હતી કે અબ્દુલ્લાનો ક્લેઈમ ખોટો હતો. કાઉન્સિલની ઈન્ટર્નલ ઓડિટ ફ્રોડ ટીમે તેની તપાસ કરી હતી. અબ્દુલ્લાએ દાવો કર્યો હતો કે તે જ્યાં રહેતો હતો તે મકાન ખાલી કરાવાયું હતું. તેનો આ દાવો ખોટો હતો. હકીકતે તો તે મકાન તેની જ માલિકીનું હતું.
વધુમાં, અબ્દુલ્લા અને તેનો પરિવાર કાઉન્સિલના મકાનમાં રહેતા હતા અને પોતાનું મકાન ૨૦૧૨થી ૨૦૧૫ સુધી ભાડે આપ્યું હતું. અબ્દુલ્લા અન્ય ગુના માટે જેલમાં હતો ત્યારે તપાસ દરમિયાન તેણે મિલ્સ્ટન ક્લોઝ ખાતેનું મકાન પરત સોંપી દીધું હતું.