બર્મિંગહામઃ પોતે સમલિંગી હોવાની જાણ માતાપિતાને કરવી ઘણી મુશ્કેલ છે અને જો તમે શીખ હો તો વધુ મુશ્કેલ બને છે. તમે છોકરા હો કે છોકરી, પરંપરાગત પરિવારમાં બાળપણથી જ ચોક્કસ રીતે વર્તવાનું કહેવાય છે. જો તમે શીખ છોકરી હો તો તમારે રસોઈ કરવાનું શીખવું પડે કારણકે તમારી પતિની એવી અપેક્ષા રહે છે. જો તમે શીખ છોકરો હો તો તમારે પત્ની અને બાળકો માટે કમાણી કરતા શીખવાનું રહે છે. આવા સંજોગોમાં તમે તેમ વર્તો નહિ અને સમાન સેક્સના કોઈ પાત્ર સાથે પ્રેમમાં પડી જાવ તો શું થાય? બર્મિંગહામના ૨૯ વર્ષીય સમલિંગી શીખ કર્મશીલ મનજિન્દર સિંહ સિધુ સાથે આમ જ થયું હતું. તેની સાચી લાગણીઓ બહાર લાવવામાં તેને વર્ષો વીતી ગયા હતા. તેણે પોતે ગે નથીનું સતત રટણ કરી પોતાને બ્રેઈનવોશ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો.
સમલૈંગિકતાને હજુ કલંક માનવામાં આવે છે તેમને આવી સ્થિતિ વિશે સમજાવવાના હેતુ સાથે કર્મશીલ મનજિન્દર સિંહ સિધુએ સેલ્ફ-હેલ્પ બૂક Bollywood Gay લખી છે, જે જાન્યુઆરી ૨૦૧૭માં પ્રકાશિત થનાર છે. તેનો ૧૩ ભાષામાં અનુવાદ પણ થયો છે.
મનજિન્દરે એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે બાળપણથી જ તેને અલગ હોવાની લાગણી થતી હતી. પુખ્તાવસ્થામાં આવતી વેળાએ તેને સ્કૂલમાં વિચિત્ર લાગતું હતું. બીજા બાળકોની માફક તેને મર્દાનગી કે સ્ત્રીત્વની લાગણી થતી નહિ. તેને મર્દાનગીના પ્રતીક જેવાં કસરતના લેસન્સ કે એશિયન લગ્નોમાં જવું ગમતું ન હતું. જોકે, રુઢિચુસ્ત પરિવારમાં ઉછેર થયો હોવાથી સાચી લાગણી સ્પષ્ટપણે દર્શાવવા યોગ્ય વાતાવરણ પણ ન હતું.
મનજિન્દર સેકન્ડરી સ્કૂલમાં આવ્યો ત્યારે તેને અન્ય છોકરાઓ ગમવા લાગ્યા હતા પરંતુ, પોતાના રહસ્યમાં સાથીદાર બનાવી શકાય તેવું કોઈ ન હતું. પુરુષો તરફના આકર્ષણ ખોટું હોવાનું તેને લાગતું કારણકે સમાજ અને પરિવારમાં આવી વાત શક્ય જ ન હતી. શાળામાં પણ શિક્ષકો ગે હોવા સંબંધે કોઈ વાત જ કરતા ન હતા. તેણે ૧૫ વર્ષની વયે એક શિક્ષિકાને આવું કહ્યું તો તેમણે વાત બંધ કરી આવી ચર્ચા કરી શકાય નહિ તેવો જવાબ આપી દીધો હતો. આથી, ગે હોવું એટલે શું તેની પણ તેને ખબર પડી નહિ. પુરુષ અને સ્ત્રીના જ લગ્ન થાય તેટલી જ તેને જાણ હતી. આ પછી મનજિન્દરે પોતાની લાગણીઓ સમય સાથે જતી રહેશે તેમ વિચારી અભ્યાસમાં મન પરોવી દીધું હતું.
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તેણે બહેનનો ફોન આવતા જ પોતાનો ઉભરો ઠાલવી દીધો હતો. આમ છતાં, પેરન્ટ્સને કહેવાની તેની હિંમત ન હતી. તેણે યુનિવર્સિટીમાં પુરુષો સાથે ડેટિંગ ચાલુ કર્યું પરંતુ, સંબંધો લાંબો સમય જાળવવા મુશ્કેલ હતા. યુનિવર્સિટીમાં આની આઝાદી તો મળી પણ દિલનો ભાર ઉતરતો ન હતો. તે બેવડી જિંદગી જીવતો હતો. માતાપિતા સાથે ફોન પર વાતચીત પણ બંધ થઈ જતા આખરે તેણે ટેક્સ્ટ મેસેજ થકી પેરન્ટ્સને જાણ કરવાનો નિર્ણય કર્યો. તેના પેરન્ટ્સ ઈંગ્લિશ બોલતા ન હોવાથી મેં શું લખ્યું છે તેનું ભાષાંતર કરવાનું મુશ્કેલ કાર્ય પણ બહેનના શિરે આવી ગયું. મનજિન્દરની માતાને પહેલો વિચાર એ આવ્યો કે તે સ્ત્રી બની જવાનો છે તો પિતાને લાગ્યું કે આરોગ્યની સમસ્યા છે અને તેની કાળજી રાખવી પડશે. જોકે, વાસ્તવિકતાની જાણ થતાં પેરન્ટ્સે કહ્યું કે તે જેવો છે તેવો તેમનો જ છે. હ્યુમન રાઈટ્સમાં માસ્ટર થયેલા મનજિન્દરને આખરે આઝાદી મળી હતી.
મનજિન્દરે અન્ય સાઉથ એશિયન LGBT (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ એન્ડ ટ્રાન્સજેન્ડર્સ)ને મદદ કરવાને પોતાનું મિશન બનાવ્યું છે. તેણે My Spiritual Soul નામની વેબસાઈટ પણ લોન્ચ કરી છે જ્યાં તે એશિયન સમલિંગી પુરુષ તરીકે પોતાના જીવન અંગે વિડિયો મૂકે છે. મનજિન્દર આખરે એવા મુકામે પહોંચ્યો છે, જ્યાં તે પોતાના પાર્ટનર ઉથમાન સાથે સ્વસ્થ સંબંધોમાં ખુશ છે.