મિલિયોનેર રોનાન ઘોષ ટેસ્કોમાંથી £૨૦૦નો સામાન ચોરતા પકડાયા

Tuesday 28th April 2015 07:49 EDT
 
 
બર્મિંગહામઃ સોલિહલમાં વાર્ષિક ૧૬ મિલિયન પાઉન્ડનું ટર્નઓવર ધરાવતી ગ્લોબલ રીસાઈકલિંગ ફર્મના ૩૯ વર્ષીય માલિક રોનાન ઘોષ બર્મિંગહામના ટેસ્કો સ્ટોરમાં ખરીદી વખતે વાઈનની બોટલ્સ અને માંસ બેગમાં રાખી બહાર નીકળતા સીસીટીવી કેમેરાની આંખે ઝડપાઈ ગયા હતા. ઘોષે £૨૦૦ના મૂલ્યની ચોરીની કબૂલાત કરતા બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેમને ૧૨ મહિનાની કોમ્યુનિટી સર્વિસની સજા કરી હતી.મિલિયોનેર કંપની ડિરેક્ટર ઘોષ ૨૧ ફેબ્રુઆરીએ સ્ટ્રેટફર્ડ રોડ પર ટેસ્કોના સ્ટોરમાં અન્ય સામાન માટે નાણા ચુકવ્યા પછી £૨૦૦નું મૂલ્ય ધરાવતી વાઈન બોટલ્સ અને માંસને બેગમાં રાખી બહાર લઈ જવાનો પ્રયાસ કરતા સિક્યુરિટી કેમેરામાં ઝડપાયા હતા. ઘોષ £૫૦૦,૦૦૦ના વેભવી મકાનમાં રહે છે અને બે બીએમડબલ્યુ કારના માલિક પણ છે. કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે ગર્લફ્રેન્ડ સાથે દલીલબાજી પછી ટેસ્કો સ્ટોર ગયેલા ઘોષ શોપલિફ્ટિંગમાં પકડાયા હતા.ઘોષે શરૂઆતમાં જ્યુરી દ્વારા ટ્રાયલની પસંદગી કરી હતી, પરંતુ પાછળથી ચોરીનો ગુનો કબૂલ કર્યો હતો. જજ મરે ક્રીડે તેમને ૧૨ મહિના કોમ્યુનિટી ઓર્ડર કરવા સાથે ૬૦ કલાક અવેતન કાર્ય પૂર્ણ કરવા અને ખર્ચના £૫૭૫ ચુકવવા આદેશ કર્યો હતો. કેસના પ્રોસિક્યુટર લાલ અમરસિંઘેએ કહ્યું હતું કે ઘોષ બેગમાં વાઈનની બોટલ્સ અને માંસ મૂકી ચેકઆઉટ તરફ ગયા હતા અને ખરીદ કરેલા ટ્રોલીના સામાન માટે નાણા ચુકવ્યા હતા, પરંતુ બેગમાં મૂકેલા સામાનના નાણા ચુકવ્યા ન હતા. સિક્યુરિટી ગાર્ડે ઘોષને અટકાવ્યા હતા અને પોલીસ બોલાવાઈ હતી. ઘોષે પોતાના કાર્ય અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. ઘોષે એક દાયકા સુધી પ્લાન્ટ અને રીસાઈકલિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી ૨૦૦૯માં વેસ્ટ મિડલેન્ડ્સના સોલિહલમાં આરજી રીસાઈકલિંગ કંપની સ્થાપી હતી.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter