બર્મિંગહામઃ મિડલેન્ડ્સમાં સર્વોચ્ચ રેન્કના ભારતીય રાજદ્વારી ડો. અમન પૂરી યુકેમાં તેમના સમકક્ષોમાં સૌથી યુવાન છે. તેમની વર્તમાન ભૂમિકા બર્મિંગહામસ્થિત ભારતીય કોન્સલ જનરલની છે. તેમની કામગીરીમાં ભારતીય નાગરિકો તેમજ મિડલેન્ડ્સ અને નોર્થ ઓફ ઈંગ્લેન્ડમાં બ્રિટિશ ભારતીયોના હિતોનું રક્ષણ તેમજ તેને આગળ વધારવાનો સમાવેશ થાય છે.
આગામી વર્ષના જાન્યુઆરીમાં ૪૨ વર્ષ પૂર્ણ કરનારા ડો. પૂરીએ તેમની રાજદ્વારી કારકીર્દિની શરૂઆત ૨૦૦૫થી જ કરી છે. તેમની પ્રથમ કામગીરી બ્રસેલ્સમાં ત્રણ વર્ષ ભારતીય મિશનમાં હતી. આ પછી ચંદીગઢમાં પાસપોર્ટ ઓફિસ, ૨૦૧૦થી ૨૦૧૩ સુધી ભારતના વડા પ્રધાનના વિદેશ પ્રવાસના આયોજનોમાં ડેપ્યુટી ચીફ ઓફ પ્રોટોકલ તરીકેનું પદ અને ૨૦૧૩થી ૨૦૧૬ સુધી નવી દિલ્હીમાં રીજિયોનલ પાસપોર્ટ ઓફિસર તરીકે સેવા આપી હતી.
ડો.પૂરીને યુકેના તમામ ક્ષેત્રોમાં ભારતીય ડાયસ્પોરાની સફળતાનો આનંદ અને સંતોષ છે. ભારતની છબી સુધરી છે અને તેને વિશાળ તકોના દેશ તરીકે નિહાળવામાં આવે છે. ભારતીયો માત્ર નોકરી કરનારા જ નથી, નોકરી આપનારા પણ છે, જેનું ઝળકતું ઉદાહરણ ટાટા કંપની છે.
ડો. પૂરીએ વિઝા સિસ્ટમ અને પ્રક્રિયા સંદર્ભે જણાવ્યું હતું કે ગયા વર્ષે ૨૦,૪૦૦થી વધુ લોકોએ ઈ-વિઝા પર ભારતની મુલાકાત લીધી હતી. આ સુવિધા ૨૪ એરપોર્ટ્સ અને બંદરો મારફત દુનિયાના ૧૬૧ દેશને આપવામાં આવી છે. બર્મિંગહામ કોન્સ્યુલેટને દર સપ્તાહે સરેરાશ ૩૦૦ વિઝા અરજી મળે છે. ગત પાંચ વર્ષમાં આશરે ૧૪,૦૦૦ લોકોને ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI) ફાળવવામાં આવી છે, જે પ્રક્રિયા માટે સરેરાશ એક મહિનો લાગે છે.