બર્મિંગહામઃ અત્યાધુનિક નવી લાઈબ્રેરીના નિર્માણ પાછળ £૧૮૮ મિલિયનનો ખર્ચ કર્યા પછી બર્મિંગહામ સિટી કાઉન્સિલ પાસે પુસ્તકો ખરીદવાના નાણા ખૂટી પડતા તે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ છે. કાઉન્સિલે રવિવારે બંધ રખાતી બર્મિંગહામ લાઈબ્રેરીના પુસ્તકો ખરીદવામાં સહાયરુપ થવા વાચકો પાસે હાથ લાંબો કરવાની ફરજ પડી છે. આના પરિણામે, વાચકો અને લેખકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
બર્મિંગહામની લાઈબ્રેરીઓમાં નોટિસો લગાવાઈ છે કે સભ્યો તેમના નવા અને હાલમાં જ પ્રસિદ્ધ પુસ્તકો દાનમાં આપી શકે છે, જેનો સાભાર સ્વીકાર કરાશે. સિટી કાઉન્સિલે સ્વીકાર્યું છે કે બજેટોમાં રાષ્ટ્રવ્યાપી કાપના પરિણામે ભારે બચત કરવા તેના બૂક ફંડનો ઉપયોગ અટકાવી દેવાની ફરજ પડી છે. હવે વધુ માગ હશે તેવા જ પુસ્તકો ખરીદવા વિચારાશે.