• લેસ્ટર-બર્ટન રેલવે લાઈનને એમેઝોનનો ટેકોઃ કોલવિલે એને એશબી થઈને લેસ્ટરથી બર્ટનની ૩૧ માઈલ લાંબી રેલવે લાઈન પેસેન્જર રુટ તરીકે ફરી શરુ કરવાના કેમ્પેઈનને એમેઝોનનો ટેકો સાંપડ્યો છે. ઈસ્ટ મિડલેન્ડ્સ ચેમ્બરના સભ્યોએ પણ પ્રોજેક્ટને ટેકો જાહેર કર્યો હતો. કોલવિલે, નોર્થ વેસ્ટ લેસ્ટરશાયરમાં મોટા વેરહાઉસ ધરાવતા એમેઝોન અને મોઈરાસ્થિત નેશનલ ફોરેસ્ટ કંપની સહિત મોટા બિઝનેસીસે પણ આ કામને સમર્થન આપ્યું છે. રી-ઓપન ઈવાનહો લાઈન કેમ્પેઈનમાં પેસેન્જર્સ માટે મોઈરા, એશબી, કોલવિલે, એલિસટાઉન, મેનેલ્સ ગોર્સ અને લેસ્ટર સાઉથ સહિતના સ્ટેશનો પર ભાર મૂકાયો છે જેનાથી મોટી કંપનીઓને લાભ મળે તેમ છે.
• લોકડાઉન લાગુ થાય તે પહેલા લગ્ન કર્યાઃ લેસ્ટરના હમ્બરસ્ટોનમાં ૧૦ વર્ષથી કપલ તરીકે રહેતા એઝરિન રાજા અને જોડી સ્મિથે ૧ ઓક્ટોબરે લગ્નમાં માત્ર ૧૫ મહેમાનની હાજરી સાથેના લોકડાઉન નિયંત્રણો લાગુ થાય તે અગાઉ લગ્ન કરી લેવાં ભારે દોડાદોડી કરવી પડી હતી. ૨૨ સપ્ટેમ્બરે લોકડાઉનની જાહેરાત થઈ તેના ચાર દિવસ પછી લગ્ન કરી લેવાયા હતા. યુગલે અગાઉ એપ્રિલમાં ગ્રીક આઈલેન્ડ પર લગ્નનો પ્લાન કર્યો હતો પરંતુ, તે રદ થયો. આ પછી ઓગસ્ટમાં પ્લાન કર્યો પણ લોકડાઉને રંગમાં ભંગ પાડ્યો હતો. એઝરિન રાજા અને જોડી સ્મિથે ૯૬ કલાકમાં જ લગ્નસ્થળ, કેટરિંગ, હેરડ્રેસર્સ સહિત તમામ વ્યવસ્થા પાર પાડી હતી અને ૩૦ મહેમાનોની હાજરીમાં લગ્ન કરી લીધાં હતાં. હવે પ્રવાસ નિયંત્રણો હટી જાય તે પછી તેઓ ગ્રીક આઈલેન્ડ જઈ ઉજવણી કરવાના છે.
• ગાંજાની છુપાવેલી ફેક્ટરી પર દરોડોઃ વેસ્ટ મિડલેન્ટ્સ પોલીસે ૮ ઓક્ટોબર ગુરુવારે વુલ્વરહેમ્પ્ટનના પેન વિસ્તારના વિન રોડ પરની ગેરકાયદે ગાંજા (cannabis)ની ફેક્ટરી પર દરોડો પાડી ૨૦૦,૦૦૦ની કિમતનો ગાંજાનો જથ્થો નાશ કર્યો હતો. ગાંજાના પ્લાન્ટ્સ જપ્ત કરી લેવાયા હતા. જોકે, આ બાબતે કોઈની ધરપકડ કરાઈ ન હતી. ગાંજાના છોડને પોષણ મળે અને પૂર્ણ વિકાસ થાય તે રીતે હવાની નળીઓ, વિશે, પ્રકાશ, પાવર બેન્ક્સ અને લાકડાની આડશો ગોઠવવામાં આવી હતી. પોલીસે જમાવ્યું હતું કે ગાંજાના છોડ માત્ર રુમ્સમાં નહિ, દુકાનોના પાછળના ભાગે તેમજ અંડરગ્રાઉન્ડ પણ ઉગાડાય છે.
• આઈસ રિંક અને બિગ વ્હીલ ઉત્સવ રદઃ આઈસ સ્કેટ બર્મિંગહામ દ્વારા જર્મન ક્રિસમસ માર્કેટમાં યોજાતો આઈસ રિંક અને બિગ વ્હીલ ઉત્સવ કોરોના વાઈરસ મહામારીના કારણે રદ કરવામાં આવ્યો છે. આ અગાઉ, સિટી કાઉન્સિલ સાથે તમામ વિકલ્પોની ચર્ચાવિચારણા હાથ ધરાઈ હતી. યુકેમાં શ્રેષ્ઠ આઉટડોર સ્કેટિંગ રિંક્સમાં સ્થાન ધરાવતી આઈસ સ્કેટ બર્મિંગહામ ભારે લોકપ્રિયતા ધરાવે છે અને ઉત્સવના સમયમાં હજારો સહેલાણીઓને આકર્ષે છે.
• સાંસદ ક્લોડિયા વેબ સામે હેરાનગતિનો આરોપઃ ૨૦૧૯ની ચૂંટણીમાં લેસ્ટર ઈસ્ટના લેબર સાંસદ કિથ વાઝના સ્થાને ચૂંટાયેલા ૫૫ વર્ષનાં ક્લોડિયા વેબ વિરુદ્ધ હેરાનગતિનો ક્રિમિનલ કેસ દાખલ કરાયો છે. તેઓ ૧૧ નવેમ્બરે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષહાજર થશે. તેમણે સપ્ટેમ્બર ૨૦૧૮થી એપ્રિલ ૨૬ ૨૦૨૦ના ગાળામાં એક મહિલાની હેરાનગતિ કરી હોવાના આરોપ સંદર્ભે મેટ્રોપોલીટન પોલીસે પૂરાવાની ફાઈલ ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસને સુપરત કરી હતી. લેબર સાંસદ વેબે જણાવ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને કોર્ટમાં આ પૂરવાર કરશે.
• નર્સે માનસિક અસ્વસ્થ માતાનું ઘર વેચ્યુઃ માનસિક અસ્વસ્થ માતાની જાણ વિના જ તેમનું ઘર અને માલસામાન વેચી નાખનારી સાઈકિયાટ્રિક નર્સ જોઆન ચિઝવેલની નોંધણીને નર્સિંગ એન્ડ મીડવાઈફરી કાઉન્સિલ (NMC) દ્વારા રદ કરાઈ છે. અગાઉ, લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા નાદાર ચિઝવેલને ગત વર્ષના જૂનમાં છેતરપિંડીના ગુનામાં ૧૮ મહિના કેદની સજા ફરમાવી માત્ર એક પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો. તેની સજા બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. NMC પેનલે કહ્યું હતું કે નર્સ ચિઝવેલે વિશ્વાસભંગ કર્યો હતો. મિસ ચિઝવેલને માતાની મિલકતેના રક્ષણ માટે જૂન ૨૦૧૯માં પાવર ઓફ એટર્ની અપાયો હતો પરંતુ, તેણે અપ્રામાણિકતા આચરી ૬૮ વર્ષીય માતાના બેન્ક એકાઉન્ટને પોતાનું જ ગણી વ્યવહારો કર્યાં હતાં. તેણે સાઈકિયાટ્રિક સારસંભાળમાં રખાયેલી માતાનું મકાન સામાન સાથે ૮૫,૦૦૦ પાઉન્ડમાં વેચ્યું હતું. આ નાણા તેણે વૈભવી જીવન અને શોપિંગ પાછળ ખર્ચ્યાં હતાં.