લેસ્ટર અને લેસ્ટરશાયરમાં ૪ ઓક્ટોબર સુધીમા કોરોનાના નવા ૪૦૦થી વધુ પોઝિટિવ કેસ જણાયા હતા જેમાં, માત્ર લેસ્ટર સિટીમાં ૧૮૧ કેસ હતા. આ સાથે લેસ્ટરના કુલ કેસનો આંકડા ૭,૪૦૮ થયો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને સોશિયલ કેર (DHSC)ના જણાવ્યા અનુસાર લેસ્ટર સ્થાનિક લોકડાઉન હેઠળ છે અને પરિવારોને કોઈના ઘેર કે ગાર્ડન્સમાં મળવા પર પ્રતિબંધ છે. તાજેતરમાં લેસ્ટર યુનિવર્સિટી, ડે મોન્ટફોર્ટ યુનિવર્સિટી અને લફબરો યુનિવર્સિટીમાં પણ વાઈરસનો ફેલાવો જોવા મળ્યો છે. નવા સંક્રમણોમાં ચાર્નવૂડ (૭૫), બ્લાબી (૩૨), ઓડબી એન્ડ વિગ્સ્ટન બરો (૩૧), હારબરો (૨૫), હિન્કલી અને બોસ્વર્થ (૩૧), મેલ્ટોન (૧૬) અને નોર્થ વેસ્ટ લેસ્ટરશાયરના (૧૮) કેસનો સમાવેશ થાય છે.
• લોકડાઉન ગિફ્ટ કાર્ડથી સ્થાનિક ખરીદીને પ્રોત્સાહન
લેસ્ટરની હાઈ સ્ટ્રીટ શોપ્સ, બાર અને રેસ્ટોરાંને મદદ કરવા બિઝનેસ ઈમ્પ્રુવમેન્ટ ડિસ્ટ્રિક્ટ (BID) દ્વારા નવું ‘લેસ્ટર ગિફ્ટ કાર્ડ’ લોન્ચ કરાયું છે. ૫ અને ૫૦૦ પાઉન્ડની વચ્ચેની કિંમતના આ કાર્ડથી હાઈ સ્ટ્રીટ ચેઈન્સ, સ્વતંત્ર દુકાનો, સિનેમા, હોટેલ્સ સહિત ૧૦૦થી વધુ સિટી સેન્ટર બિઝનેસીસમાં ખરીદી કરી શકાશે. આ કાર્ડ theleicestergiftcard.com પરથી ઓનલાઈન ખરીદી શકાશે. દરેક કાર્ડ ૧૨ મહિના સુધી માન્ય ગણાશે. દેશમાં આવી અનેક સ્કીમ ચાલી રહી છે. BIDના જણાવ્યા મુજબ ગયા વર્ષે યુકેમાં ૨૨,૦૦૦થી વધુ ટાઉન અને સિટી ગિફ્ટ કાર્ડ્સનું વેચાણ થયું હતું જેનું સરેરાશ મૂલ્ય ૪૫ પાઉન્ડ હતું.
• સર્જને પેશન્ટ્સના હાડકાનો સંગ્રહ કર્યો
એજબાસ્ટનના જાણીતા હિપ સર્જન ડો. ડેરેક મેક્મિને ૨૫ વર્ષ સુધી તેમના પેશન્ટ્સના હાડકા કાઢી તેનો સંગ્રહ કર્યો હોવાનું બહાર આવતા વેસ્ટ મર્સિઆ પોલીસે હ્યુમન ટિસ્યુ એક્ટ ૨૦૦૪ અન્વયે તપાસ આદરી છે. BMI એજબાસ્ટન હોસ્પિટલમાં મોટા ભાગના ઓપરેશન્સ ડો. મેક્નિને કર્યા હતા અને તેમની પાસે શરીરના અંગોના સંગ્રહની સંમતિ કે લાઈસન્સ ન હોવાં છતાં, ૬૯ વર્ષના ડોક્ટરે પોતાના વર્સેસ્ટરશાયરના ઘર અને બર્મિંગહામના બિઝનેસ પ્રીમાઈસીસમાં ૫,૦૦૦થી વધુ પેશન્ટ્સના હાડકાનો સંગ્રહ કર્યો હોવાનું કહેવાય છે. ડોક્ટરે હોસ્પિટલના બોસીસ સમક્ષ આની કબૂલાત કરી હતી અને તેમને તત્કાળ સસ્પેન્ડ કરાયા હતા. હિપ સરફેસિંગ ટેક્નિકના પ્રણેતા વિશ્વપ્રસિદ્ધ ડોક્ટર મેક્નિને એમ કહ્યાનું મનાય છે કે નિવૃત્તિ પછી સંશોધનમાં તેમના મગજને સક્રિય રાખવા તેમણે હાડકાનો સંગ્રહ કર્યો હતો. જોકે, હોસ્પિટલની નર્સીસ, થિયેટર સ્ટાફ, ડોક્ટર્સ અને પેશન્ટ્સને આની કોઈ જાણ ન હતી. બર્મિંગહામ એજબાસ્ટનના સાંસદ પ્રીત કૌર ગીલે આક્ષેપો બાબતે આઘાત વ્યક્ત કર્યો હતો.
• શીશા બારમાંથી ૨૦૦ લોકો બહાર નીકળ્યા
બર્મિંગહામના હાઈગેટમાં કાસાબ્લાન્કા શીશા લાઉન્જમાંથી બુધવાર ૩૦ સપ્ટેમ્બરે ૨૦૦થી વધુ માણસનો સમૂહ બહાર નીકળતો દેખાયા પછી પોલીસે તપાસ આરંભી હતી. આ સ્થળે ગેરકાયદે પાર્ટી ચાલતી હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. આ બાબતે કાનૂની કાર્યવાહીની તજવીજ ચાલી રહી છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે તેઓ મોસ્લી સ્ટ્રીટના બાર પહોંચ્યા ત્યારે તેમને ૨૦૦થી વધુ લોકો તે સ્થળેથી બહાર નીકળતા દેખાયા હતા જે, કોવિડ નિયંત્રણોનો સ્પષ્ટ ભંગ હતો. શીશા બારના એક કર્મચારીએ જણાવ્યું હતું કે આ સ્થળે ગેરકાયદે રેવ પાર્ટી નહિ, ‘મેળાવડો’ યોજાયો હતો. જોકે, કોવિડ નિયમોનું પાલન થયું હોવાનો તેમણે દાવો કર્યો હતો. પોલીસે લોકોને આવા કાર્યક્રમોમાં સામેલ થવા સામે ચેતવણી આપી હતી.
.• લેસ્ટરના બે કેર હોમ્સ વેચાઈ ગયા
લેસ્ટરમાં એવિંગ્ટન ડેવનપોર્ટ રોડ પરનું સ્પેન્સફિલ્ડ ગ્રેન્જ અને આઈસ્ટોનની ઓલ્ડ ચર્ચ સ્ટ્રીટનું મીડોઝ કોર્ટ કેર હોમ્સનું સંચાલન કરતા હાઈકેર લિમિટેડ દ્વારા નહિ જણાવેલી કિંમતે બિઝનેસીસનું વેચાણ કરાયું છે. આ બે રેસિડેન્શિયલ કેર હોમ્સની સતનામ નાનુવા અને તેમના પત્ની સુખજિતે ૧૯૮૯માં સ્થાપના કરી હતી. પત્ની અને બે દિકરીઓ, રુપિન્દર અને સુરિન્દર સાથે મળી ૩૧ વર્ષ બિઝનેસ ચલાવ્યા પછી નિવૃત્તિ ઈચ્છતા નાનુવા દંપતીએ કેર હોમ્સનું વેચાણ કર્યું હતું. તેમના માટે વેચાણનો નિર્ણય સરળ ન હતો. આ બિઝનેસ કર્કલેન્ડ્સ કેર લિમિટેડને વેચાયો હતો જેઓ, હાલ કમ્બ્રીઆમાં બે કેર હોમ્સનું સંચાલન કરે છે.