બર્મિંગહામઃ પોતાને ‘મિ. કોન’ તરીકે ઓળખાવતા ભારતીય મૂળના ૩૭ વર્ષીય ઠગ ગુરટેકસિંહને તબીબી સારવારના બહાને ભારત જવાનું કહી વૃદ્ધોની સાથે છેતરપીંડી કરવા બદલ ૩૭ મહિનાની જેલ અને ૧૫૫૨ પાઉન્ડનો દંડ થયો હતો. બર્મિંગહામસ્થિત ગુરટેકસિંહ હોસ્પિટલમાં દાખલ કરેલા એક સબંધીને જોવા જવું છે એવી રડી રડીને વાતો કહી વૃદ્ધોની લાગણી સાથે રમ્યો હતો, એમ વેસ્ટ મિડલેન્ડ પોલીસે બર્મિંગહામ ક્રાઉન કોર્ટને કહ્યું હતું.લોકો એને ૩૦થી લઇ ૩૫૦ પાઉન્ડ સુધીની રકમ આપતાં હતા તેમની સાથે છેતરપીંડી કરી હોવાનું સિંહે કબુલ્યું હતું. તેની સામે છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો. આ ધુતારો લોકોના ઘરે જઇ રડી રડીને પોતાની વાત કરતો અને ઘણી વખત તો સહાનુભૂતિ મેળવવા અત્યંત ગભરાયેલી હાલતમાં લોકોના બારણે ટકોરાં મારતો અને પોતાને ટેકસીના ભાડા માટે પૈસા જોઇએ છે એમ કહેતો હતો. છેતરાયેલાં લોકોએ ગુરટેકસિંહને ખૂબ જ પ્રેમાળ અને મૈત્રીપૂર્ણ ગણાવ્યો હતો. તેણે માત્ર વૃદ્ધોને જ નિશાન બનાવ્યા હતા.