બકિંગહામઃ વ્યૂ (Vue) સિનેમા ચેઈનની સ્ટાર સિટી બ્રાન્ચમાં માર્ચ ૨૦૧૮માં સીટ તૂટી પડવાની ઘટનામાં ૨૪ વર્ષીય કસ્ટમર અતીક રફિકના મોતના પગલે સિનેમાએ પરિવાર અને મિત્રોની માફી માગી છે. બકિંગહામ કોર્ટે આ ઘટના સંદર્ભે મંગળવાર ૨૦ જુલાઈએ વ્યૂ એન્ટરટેઈન લિમિટેડને ૭૫૦,૦૦૦ પાઉન્ડની પેનલ્ટી અને કોર્ટ ખર્ચ પેટે ૧૩૦,૦૦૦ પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો.
સિનેમા ચેઈનની સ્ટાર સિટી બ્રાન્ચમાં ૯ માર્ચ ૨૦૧૮ના દિવસે ખામીપૂર્ણ રિક્લાઈનર સીટ તૂટી પડવાથી પત્ની સાથે ફિલ્મ જોવા આવેલા અતીક રફિકને બેઠક નીચે ફસાઈને કચડાઈ જવાથી જીવલેણ ઈજા પહોંચી હતી. કંપનીએ વીજસંચાલિત બેઠકો સંદર્ભે ૧ જાન્યુઆરી, ૨૦૦૭થી માર્ચ ૯, ૨૦૧૮ના ગાળામાં આરોગ્ય અને સુરક્ષા કાયદાઓને ભંગ કર્યાનું સ્વીકાર્યું હતું. આ પછી આ પ્રકારની તમામ રિક્લાઈનર બેઠકો દૂર કરાઈ હતી.