અભિયાનના સમર્થનમાં પબ્સ અને ક્લબ્સ સહિત બિઝનેસીસમાં પણ પ્રમોશનલ પોસ્ટર્સ લગાવાયાં હતાં. લીડિયા ઉન્સુદુમી નવેમ્બરમાં ચેરિટી દ્વારા આયોજિત ‘લેસ્ટર્સ ગોટ ટેલેન્ટ’ શોમાં ભાગ લીધા પછી સ્વયંસેવક બની હતી. અપરાધ સામે લડવા માટે ચાર્નવૂડ બરો કાઉન્સિલ, લેસ્ટરશાયર પોલીસ, લફબરો યુનિવર્સિટી અને લફબરો કોલેજ જેવી સંસ્થાઓને એક છત્ર હેઠળ લાવતી ચાર્નવૂડ કોમ્યુનિટી સેફ્ટી પાર્ટનરશિપ દ્વારા આ અભિયાનનું આયોજન કરાયું છે.
ડ્રગ ડીલરને પાંચ વર્ષની જેલ
લેસ્ટરઃ લેસ્ટરશાયર ક્રાઉન કોર્ટે ૩૧,૪૮૨ પાઉન્ડના મૂલ્યના ડ્રગ્સ સાથે પકડાયેલા ડીલર અબ્દુલ ડાઘાને પાંચ વર્ષની જેલની સજા ફરમાવી છે. ૧૧ મેએ લેસ્ટરના ઓવર્ટન રોડ પર ક્રિસ્ટોફર ટર્ટન દ્વારા હંકારાતી કારમાં પ્રવાસી અબ્દુલ પાસેથી હેરોઈન અને કોકેનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેના ઘરની તપાસ કરતા વધુ ૮૧૫ ગ્રામ હેરોઈન, ૨૨૩ ગ્રામ કોકેન અને એક કિલોગ્રામ ચરસ અને ૧,૩૭૪ પાઉન્ડની રોકડ રકમ મળ્યાં હતાં. અબ્દુલે વેચાણના ઈરાદાથી નસીલી ડ્રગ્સ રાખી હોવાની કબૂલાત કરી હતી. અબ્દુલને સાથ આપનારા ટર્ટનને કરાયેલી ૧૮ મહિનાની જેલની સજા બે વર્ષ માટે મુલતવી રખાઈ હતી. તેને છ મહિના પુનર્વસન પ્રોગ્રામમાં રહેવું પડશે.
લંડનવાસીઓના પાણીબિલ ઘટાડવા આદેશ
હેરોઃ રેગ્યુલેટર દ્વારા લંડનવાસીઓના પાણીબિલમાં પાંચ ટકાનો ઘટાડો કરવાનો આદેશ થેમ્સ વોટર કંપનીને અપાયો છે. બ્રેન્ટ અને હેરોના એસેમ્બલી મેમ્બર અને લેબર કાઉન્સિલર નવીન શાહના અભિયાનને સફળતા સાંપડી છે. થેમ્સ વોટર કંપનીએ આગામી પાંચ વર્ષના ગાળામાં લંડનવાસીઓના જળબિલમાં પાંચ ટકા સુધીને ઘટાડો કરવાનો રહેશે. નવીન શાહે જણાવ્યું હતું કે લાંબા સમયથી વોટર કંપનીઓ ગ્રાહકોને બંદૂકની નાળ પર જ રાખતી હતી. આપણી પાસે સપ્લાયર પસંદ કરવાની તક જ નથી. વર્ષોથી સ્થગિત વેતનો અને જીવનધોરણના વધતાં ખર્ચાની મધ્યે પાંચ ટકાના ઘટાડાથી બિલમાં સરેરાશ £૧૭ની રાહત મળશે. નવીન શાહે લંડનના મેયર બોરિસ જ્હોન્સન સામે યુટિલિટી કંપનીઓ સામે પગલાંને નજરઅંદાજ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
હેરોમાં ટ્યુબરક્લોસીસ જાગૃતિ કાર્યશિબિર
હેરોઃ લોકોમાં ટ્યુબરક્લોસિસ રોગ વિશે જાગૃતિ કેળવાય તે માટે વોલન્ટરી એક્શન હેરો દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કાર્યશિબિરો યોજવામાં આવી છે. સદંતર નાબૂદ થઈ ગયેલો ક્ષયરોગ છેલ્લાં ૨૦ વર્ષથી ઈંગ્લેન્ડમાં પ્રસરી રહ્યો છે. જેની સૌથી ખરાબ અસર અશ્વેત અને વંશીય લઘુમતી સમુદાયો, ડ્રગ્સના બંધાણીઓ અને ઘરવિહોણા લોકોને થઈ રહી છે. શુક્રવાર, ૧૬ જાન્યુઆરીએ સવારના ૯.૩૦થી બપોરના ૧.૦૦ તેમ જ મંગળવાર ૩ ફેબ્રુઆરીએ સાંજના ૫.૩૦થી રાત્રિના ૮.૩૦ સુધી ધ લોજ, પિનર રોડ, હેરો ખાતેની બેઠકોમાં તાલીમ દ્વારા સૌથી વધુ જોખમ હેઠળના જૂથોમાં જાગરૂકતા લાવવા જ્ઞાન, માર્ગદર્શન અને સ્રોતોની જાણકારી અપાશે.
પૂર્વ ગર્લફ્રેન્ડ પર એસિડ હુમલો કરાવનાર વૃદ્ધ પ્રેમીને કારાવાસ
બર્મિંગહામઃ વેસ્ટ મિડલેન્ડ્સમાં પોતાની કિશોર વયની પૂર્વ ગર્લફ્રેન્ડ વિક્કી હોર્સમાને સંબંધ તોડી નાખતાં ઈર્ષાસભર ૮૦ વર્ષીય પેન્શનર પ્રેમી મોહમ્મદ રફીકે બદલો લેવા તેના પર એસિડ હુમલો કરાવ્યો હતો. આ ગુનાસર સ્મેથવિકના રફીકને વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટે ૧૮ વર્ષ જેલની સજા ફરમાવી છે.
વેસ્ટ મિડલેન્ડ્સના રફીક તેમ જ સાથી ગુનેગારો સ્ટીવન હોમ્સ અને શેનોન હીપ્સને ૧૯ વર્ષીય વિક્કી પર એસિડ હુમલાની યોજના બદલ દોષી ઠરાવાયા હતા. જજ નિકોલસ વેબે સજા સંભળાવી ત્યારે રફીકનો ચહેરો ભાવશૂન્ય જ હતો. જજે રફીકને પીડિતાનાં દાદાની વયનો ગણાવ્યો હતો. સ્મેથવિકના હોમ્સને ૧૪ વર્ષ અને ટિવિડેલના હીપ્સને ૧૨ વર્ષ જેલની સજા કરાઈ હતી. આ ત્રણે વ્યક્તિને સજા સંભળાવાઈ ત્યારે મિસ હોર્સમાન કોર્ટમાં હાજર રહી હતી.
ગત ૧૫ એપ્રિલે કેર વર્કર હોર્સમાને હોમ્સ માટે ઘરનું બારણું ખોલ્યું ત્યારે તેના પર કોરોસિવ પ્રવાહી છાંટવામાં આવ્યું હતું. આના પરિણામે તેના ચહેરા, ગરદન અને શરીર પર દાઝી જવાથી હોસ્પિટલમાં પાંચ દિવસ ઈન્ટેન્સિવ કેરમાં ગાળવા પડ્યાં હતાં. વિકી માતાપિતાના મૃત્યુથી અસલામત અવસ્થામાં હતી ત્યારે તે રફીકના સંપર્કમાં આવી હતી.આ પછી તેણે રફીક સાથે સંબંધો ચાલુ ન રાખવા નિર્ણય લીધો હતો, જેના પરિણામે રફીક ગુસ્સે ભરાયો હતો. તેણે હોમ્સ મારફત વિક્કી પર એસિડ ફેંકાવ્યો હતો.
ગેરકાયદે તમાકુના વેચાણ માટે લફબરોના વેપારીને જેલ
લફબરોના સ્પેરો હિલમાં ઈન્ટરનેશનલ સુપરમાર્કેટ ચલાવતા ૩૬ વર્ષીય વેપારી સરદાર ખેદીર હેરિસને ગેરકાયદે તમાકુના વેચાણ બદલ આઠ સપ્તાહ જેલની સજા થઈ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં હેરિસની દુકાન પર લેસ્ટરશાયર કાઉન્ટી કાઉન્સિલ્સ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ સર્વિસ અને પોલીસના દરોડામાં ગેરકાયદે સિગારેટના ૧૨૩ પેકેટ અને બીડીના ૫૩ પાઉચ મળ્યાં હતા.
બ્રિટિશ આર્મીમાં મહિલા સૈનિકોને યુદ્ધમાં કામગીરી મળશે
ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોને આશા વ્યક્ત કરી છે કે ફ્રન્ટલાઈન યુદ્ધસૈનિકની સ્ત્રીઓની ભૂમિકા પરનો પ્રતિબંધ આગામી વર્ષમાં ઉઠાવી લેવાશે. મહિલાઓ પર ઈન્ફન્ટ્રી ટ્રેનિંગની લાંબા ગાળાની અસરોના અભ્યાસ પછી વહેલી તકે આ નિર્ણ લેવાશે. તેમણે કહ્યું હતું કે આર્મી સીલેક્શન જાતિઆધારિત નહિ, પરંતુ ક્ષમતાના આધારે થવી જોઈએ. જોકે, તેમણે તાલીમના નિયમો હળવા બનાવવાનો સંપૂર્ણ વિરોધ કર્યો હતો.
બે વકીલો સામે આર્મીની બદનક્ષીના પ્રયાસનો આક્ષેપ
ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોને કાનૂની વ્યવસ્થાના દુરુપયોગ થકી બ્રિટિશ સૈનિકો સામે યુદ્ધ અપરાધોનો આક્ષેપ લગાવી મિલિટરીને બદનામ કરવા બદલ બે કાનૂની પેઢીઓ અને તેમના ક્લાયન્ટ્સ પાસેથી માફીની માગણી કરી છે. માનવ અધિકાર ધારાશાસ્ત્રીઓના આક્ષેપો પછી યુદ્ધક્ષેત્રમાં કથિત હત્યા, મ્યુટિલેશન અને અત્યાચારના આક્ષેપોમાં £૩૦ મિલિયનની તપાસમાં જણાયું હતું કે ઈરાકી સાક્ષીઓ પદ્ધતિસર જુઠું બોલ્યા હતા. આ રકમમાં વકીલોની £૫.૬ મિલિયન ફીનો સમાવેશ થાય છે.