બર્મિંગહામઃ મિલિયોનેર બિઝનેસમેન શ્રીયેન દેવાણીની ચર્ચાસ્પદ હનીમૂન મર્ડર ટ્રાયલમાં સાક્ષી લીઓપોલ્ડ લેઈસર તેના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર જામી છે. ‘જર્મન માસ્ટર’ નામે ઓળખાતા લેઈસરે બ્રિસ્ટોલના કેર હોમ બોસ દેવાણી સાથે તેના સેક્સ્યુઅલ સંબંધ હોવાનું કોર્ટમાં સ્વીકાર્યું હતું. બર્મિંગહામ અને સોલિહલના કોરોનર મિસ એલિઝાબેથ બસી-જોન્સે આત્મહત્યાનો ચુકાદો આપ્યો હતો.
ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું કે ૨૦૧૪ની કોર્ટ ટ્રાયલના કારણે ભારે તણાવમાં રહેલા ૪૫ વર્ષીય પૂર્વ પુરુષ વેશ્યા લીઓપોલ્ડ લેઈસરનો મૃતદેહ તેના મિત્રને ૧૩ સપ્ટેમ્બરે બર્મિંગહામના મોસેલી ખાતેના ફ્લેટમાં મળ્યો હતો. પોસ્ટમોર્ટમમાં ગળે ફાંસો ખાવાથી મોત થવાનું બહાર આવ્યું હતું. દેવાણીએ ૨૦૦૯માં જર્મન માસ્ટરની વેબસાઈટ પરથી તેનો સંપર્ક સાધ્યો હતો અને તેમના વચ્ચે કુલ ત્રણ મીટિંગ યોજાઈ હતી. દેવાણીએ સજાતીય સંબંધ માટે તેને એક સેશનના ૪૦૦ પાઉન્ડ પણ ચુકવ્યા હતા. દેવાણીના કોર્ટ કેસ પછી લેઈસરે તેની વેબસાઈટ બંધ કરી દીધી હતીઅને તેને મહિને ૫,૦૦૦ પાઉન્ડનું નુકસાન જતું હતું,
સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં હનીમૂન માટે ગયેલા દેવાણી દંપતીમાં પત્ની અનીનો મૃતદેહ ૧૪ નવેમ્બર, ૨૦૧૦ના રોજ ટેક્સીમાંથી મળી આવ્યો હતો. અની દેવાણીની કથિત હત્યાના કેસમાં પુરતા પુરાવાના અભાવે સાઉથ આફ્રિકાની કોર્ટે શ્રીયેન દેવાણીને છોડી મૂક્યો હતો.