બર્મિંગહામઃ ગયા વર્ષે ક્રિસમસની પૂર્વસંધ્યાએ કોસ્ટકોની ૩૪ વર્ષીય માર્કેટિંગ મેનેજર સમીના ઈમામની ક્લોરોફોર્મના ભારે ડોઝથી ગુંગળાવી હત્યા કરનારા કેશ એન્ડ કેરીના બોસ રોજર કૂપર (૪૧) અને તેના ભાઈ પૂર્વસૈનિક ડેવિડ કૂપર (૩૯)ને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે. તેમણે ઓછામાં ઓછાં ૩૦ વર્ષ જેલમાં પેરોલ વિના ગાળવા પડશે. જજ પેટ્રિક થોમસે ચુકાદામાં જણાવ્યું હતું કે બન્ને ભાઈએ ઈરાદાપૂર્વક અને ઠંડા કલેજે આયોજન સાથે હત્યા કરી છે. શમીનાનો મૃતદેહ ડેવિડના એલોટમેન્ટમાંથી ૧૬ જાન્યુઆરીએ મળી આવ્યો હતો.
૩૪ વર્ષીય સમીના તેના સાથી રોજર કૂપર સાથે બે વર્ષથી પ્રેમસંબંધ ધરાવતી હતી. બર્મિંગહામની હોટલમાં બે રાત્રિ સાથે ગાળવાનું કહી રોજરે સમીનાને લલચાવી હતી. જોકે, કોવેન્ટ્રીના ગોદામથી બર્મિંગહામ લઈ જવાના બદલે તે લેસ્ટરમાં ડેવિડના ઘેર લઈ ગયો હતો. સમીનાએ રોજરને પાર્ટનરને છોડી દેવા ધમકી આપી હોવાથી પાર્ટનરને સમીના અને અન્ય સહકર્મચારી સાથે લફરાંની જાણ ન થાય તે માટે રોજર તેને માર્ગમાંથી દૂર કરવા ઈચ્છતો હતો. સમીનાને લેસ્ટરમાં આવ્યા પછી ક્લોરોફોર્મથી બેભાન કરાઈ હોવાનું મનાય છે.
હોટલમાં રોજર સાથે સમય ગાળવા માટે શમીનાએ બેલિટનીની બોટલ કોવેન્ટ્રીથી ખરીદી હતી, જે ડેવિડ કૂપરના ઘરમાંથી મળી આવી હતી. શમીના ઈમામની હત્યાની ટ્રાયલ આઠ સપ્તાહ ચાલી હતી.