બર્મિંગહામઃ સમગ્ર વિશ્વને હચમચાવી દેનારી અને ૧૮ વર્ષથી વધુ વયના લોકો માટે યોગ્ય ગણાયેલી ૯/૧૧ના ત્રાસવાદી હુમલાની ડરામણી વિડીઓ ૧૧ વર્ષના વિદ્યાર્થીઓને બતાવવા બદલ ચિંતા વ્યક્ત કરનારી ટીચિંગ આસિસ્ટન્ટ સુરૈયા બીને શાળામાંથી હાંકી કઢાઈ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને ૯/૧૧ના ત્રાસવાદી હુમલા વિશે જાણકારી નથી.
બર્મિંગહામની હાર્ટલેન્ડ્સ એકેડેમીમાં સાતમા ધોરણમાં શિક્ષણ સહાયકનું કામ કરતી ઓક્સફર્ડ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સુરૈયાએ હેડ ટીચર સમક્ષ ચિંતા દર્શાવી હતી કે નાના બાળકોને આવી બિહામણી વિડીઓ બતાવવી યોગ્ય નથી. હેડટીચરે તેને તાત્કાલિક ઘેર મોકલી દીધી હતી. સુરૈયાના ખુલાસાના ઈમેઈલ પછી તેને બરતરફ કરવામાં આવી હતી. યુટ્યુબની ક્લિપમાં લોકોને ટ્વીન ટાવર્સ પરથી કૂદકા મારી મોતને ભેટતાં દર્શાવાયાં છે.