બર્મિંગહામઃ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર તથા હજ અને ઉમરાહ ફ્રોડનો પ્રશ્ન હાથ ધરનારી સિટી ઓફ લંડન પોલીસે હજ છેતરપીંડીનો સામનો કરવા મક્કાની લાયસન્સ વિનાની પેકેડ ટુર્સ વેચાવાની શક્યતા સાથેના બર્મિંગહામ શહેરના ૧૨ ટ્રાવેલ બિઝનેસ એજન્ટ્સને ૧૩ જુલાઈએ લક્ષ્ય બનાવ્યા હતા. ત્રણ બિઝનેસીસ કાયદાનું પાલન કરતા જણાયા હતા જ્યારે નવ બિઝનેસીસ તેમાં નિષ્ફળ હતા.
આ વર્ષે હજયાત્રાનો આરંભ ઓગસ્ટ મહિનાના અંત અને સપ્ટેમ્બરના આરંભે થવાનો છે આથી, લોકો તેમની યાત્રા માટે બુકિંગ કરાવી રહ્યા છે. યાત્રાના જે પેકેજીસ ખરીદ કરાય છે તે જાહેરાત અનુસાર સાચા હોય તે ચોકસાઈ કરવી જરૂરી છે. બર્મિંગહામ સિટી માટે ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સના વડા સાજીલા નાસીરે જણાવ્યું હતું કે હજપ્રવાસના નામે ઠગાઈ કરતા ટ્રાવેલ પ્રોવઈડર્સથી હજયાત્રીઓને બચાવવા માટે અને આ બિઝનેસ કાનૂની રાહે ચાલે તે માટે ટુર ઓપરેટર્સને સલાહ આપવાનું કાર્ય ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સનું છે. ગત થોડા વર્ષોમાં અમે કેટલાક બિઝનેસીસ સામે સફળ કાનૂની કાર્યવાહી કરી છે, જે ટુર ઓપરેટરનો નિર્ણય કરતા હજયાત્રીઓ સામે સમસ્યાનું પ્રમાણ દર્શાવે છે. બર્મિંગહામના હજયાત્રીઓની સુરક્ષા માટે અમે સિટી ઓફ લંડન પોલીસ સાથે મળી કામ કરીએ છીએ.’ યાત્રીઓને હજની પેકેજ ટુર્સનું વેચાણ કન્ઝ્યુમર રાઈટ્સ એક્ટ ૨૦૧૫, ધ પેકેજ ટ્રાવેલ, પેકેજ હોલીડેઝ એન્ડ પેકેજ ટુર્સ રેગ્યુલેશન્સ ૧૯૯૨ તેમજ કન્ઝ્યુમર પ્રોટેક્શન ફ્રોમ અનફેર ટ્રેડિંગ રેગ્યુલેશન્સ ૨૦૦૮ અન્વયે આવરી લેવાયું છે.