બર્મિંગહામઃ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ અખબારોના જબરજસ્ત અભિયાનોના પરિણામે અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટના સફળ આરંભ પછી ધ હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થ (યુકે) દ્વારા નોર્થ વિસ્તારના ભારતીય કોમ્યુનિટીના લોકો સપ્તાહમાં ઓછામાં ઓછાં એક વખત માન્ચેસ્ટરથી અમદાવાદ સુધી ડાયરેક્ટ ફ્લાઈટની સુવિધા માટે માગણી કરવામાં આવી છે. સંસ્થાના મહામંત્રી કાંતિભાઈ મિસ્ત્રીએ બર્મિંગહામસ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા મિ. જે.કે. પંડ્યાને પત્ર પાઠવી માન્ચેસ્ટર અને આસપાસના વિસ્તારોમાં રહેતા મૂળ ભારતીય અને ગુજરાતી લોકોની લાગણીથી માહિતગાર કર્યા છે.
ધ હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થ (યુકે) દ્વારા પત્રમાં જણાવાયું હતું કે વેમ્બલી સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ- લંડન ડાયરેક્ટ ફ્લાઈટની જાહેરાત કરતા સર્વે ભારતીયોને આનંદ થયો હતો. જોકે, નોર્થ વિસ્તારમાં રહેતી ભારતીય કોમ્યુનિટીઓને ઉપેક્ષા થયાની લાગણી થઈ છે. અમદાવાદ સુધીના પેસેન્જર્સને સુવિધા આપવા ઓછામાં ઓછી એક ડાયરેક્ટ ફ્લાઈટ માન્ચેસ્ટર સુધી લંબાવાશે તેવી માન્યતા અને અપેક્ષા ફળીભૂત થઈ ન હતી. અત્યારે માન્ચેસ્ટરથી ભારત સુધીની ફ્લાઈટ્સની સુવિધા એતિહાદ એરવેઝ, કતાર એરવેઝ અને એમિરેટ એરવેઝ દ્વારા મિડલ ઈસ્ટમાં રોકાણો મારફત પૂરી પાડવામાં આવે છે.
માન્ચેસ્ટરમાં ૧૭ સપ્ટેમ્બરે રાસ-ગરબા કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ભારતીય કોન્સલ (કોમ્યુનિટી એફેર્સ) મિ. પંકજ શર્મા ઉપસ્થિત હતા. સંસ્થાના પ્રમુખ દશરથભાઈ નાયીએ તેમને પણ માન્ચેસ્ટર - અમદાવાદ સુધી ડાયરેક્ટ ફ્લાઈટ વિશે લોકલાગણીથી માહિતગાર કર્યા હતા. આ સમયે હાજર ૬૦૦ કોમ્યુનિટી સભ્યોએ માન્ચેસ્ટરથી સાપ્તાહિક ડાયરેક્ટ ફ્લાઈટની માગણીને સમર્થન આપ્યું હતું.
ધ હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થ (યુકે) ઉત્તરમાં ૧૧ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રેસ્ટનમાં ૨૦ નવેમ્બરે કાઉન્સિલોની બેઠકમાં પણ નોર્થના ભારતીય કોમ્યુનિટીના લોકો મોટી સંખ્યામાં વસે છે તેમને અમદાવાદની ફ્લાઈટ માટે લંડનની મુસાફરી કરવી પડે છે ત્યારે માન્ચેસ્ટરથી નિયમિત ફ્લાઈટ હોવી જોઈએ તેવી લાગણી અને માગણી કરાઈ હતી.