બર્મિંગહામઃ હાઉસિંગ ફ્રોડ આચરવા બદલ બર્મિંગહામ ક્રાઉન કોર્ટે બર્મિંગહામ સિટી કાઉન્સિલની ૩૬ વર્ષીય પૂર્વ હાઉસિંગ નીડ્સ ઓફિસર ઝારા દાન્યાલને ત્રણ વર્ષની અને તેની ૨૮ વર્ષીય બહેન સમારા મલિકને દસ મહિનાની જેલની સજા ફરમાવી હતી.
સોશિયલ હાઉસિંગ ફ્રોડને લગતા એક કાઉન્ટ બદલ ઝારાને ૩૦ મહિનાની કમ્પ્રાઈઝ્ડ અને જોબ રેફરન્સને લગતા બે ગુનામાં છ મહિનાની સજા થઈ હતી, જ્યારે તેની બહેનને સોશિયલ હાઉસિંગના એક કાઉન્ટમાં દસ મહિનાની જેલ થઈ હતી.
બર્મિંગહામ સિટી કાઉન્સિલના હાઉસિંગ અને હોમ્સ માટેના કેબિનેટ મેમ્બર કાઉન્સિલર પીટર ગ્રીફીથ્સે જણાવ્યું હતું કે દાન્યાલે છેતરપિંડીનું કૃત્ય કર્યું હતું, જેના લીધે કેટલાક પરિવારો મકાન મેળવી શક્યા ન હતા. દાન્યાલે છેતરપિંડી દ્વારા મેળવેલી તમામ પ્રોપર્ટી જપ્ત કરી લેવાઈ છે, જેથી સોશિયલ હાઉસિંગની વાસ્તવિક જરૂરિયાત ધરાવતા નાગરિકોને તે ભાડે આપી શકાય.
હોમલેસ એપ્લિકેશન્સની પ્રોસેસમાં ૨૦૧૪માં કાઉન્સિલ ઓફિસરને ઝારાની ભૂમિકા શંકાસ્પદ જણાયા પછી તેને સસ્પેન્ડ કરી ઈન્ટરનલ ઓડિટ તપાસ હાથ ધરાઈ હતી. તેમાં જણાયું હતું કે ૨૦૧૧થી ૨૦૧૩ વચ્ચે ઝારાએ છ ખોટી હોમલેસ એપ્લિકેશન જમા કરાવીને તેની પ્રોસેસ કરી હતી. જેમાંથી ત્રણ અરજી મંજૂર થઈ હતી. પોતાની તથા માતાની ખોટી ઓળખ અને ખોટી અંગત માહિતી દ્વારા તેણે આ છેતરપિંડી આચરી હતી.