બર્મિંગહામઃ હિજાબ પહેરીને બર્મિંગહામ સિટી સેન્ટરમાં ડાન્સ કરતી ૧૭ વર્ષીય મુસ્લીમ સગીરાનો વીડિયો ઓનલાઈન થયા પછી ઘણી વ્યક્તિઓ તરફથી તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. તે મિત્રો સાથે શોપિંગ કરવા ગઈ હતી તે પછી તે ખૂબ ટૂંકા વીડિયોમાં તે માસ્ક પહેરેલી એક વ્યક્તિ સહિત બે લોકો સાથે ડાન્સ કરતી નજરે પડી હતી.
ઈન્ટરનેટ પર આ વીડિયો અપલોડ થયા પછી તરત જ તેને સ્ટુપીડ બી.. કહીને તેને મારી નાંખવાની જરૂર છે, તેવી કોમેન્ટ્સ શરૂ થઈ હતી. આવી કોમેન્ટ્સ પછી આ મુસ્લીમ તરૂણીએ મુસ્લિમ યુ ટ્યુબ સ્ટાર અલી દાવાને ઈન્ટરવ્યુ આપ્યો હતો.
હિજાબ પહેરતી તમામ યુવતીઓને તેણે જણાવ્યું હતું, ‘મેં અપમાન કર્યું તે બદલ હું માફી માગું છું. હું મારી ભૂલમાંથી શીખી છું. આ વીડિયો વાયરલ થયો હતો અને મને દુઃખ થયું છે. હું દરેકને અપીલ કરું છું કે તેઓ બધું છોડી દે અને આ મુદ્દાથી દૂર રહે. હવે હું ફરીથી આવું કશું કરવાની નથી. અનાદર કરવા બદલ હું ક્ષમા માગું છું અને મને મદદ કરનાર તમામનો આભાર માનું છું. હવે અલ્લાહે ફેંસલો લેવાનો છે, આખરે તો મારે જ ભોગવવાનું છે.