બર્મિંગહામઃ સમગ્ર વિશ્વ આપણા સંતાનનો જન્મને ઉજવતું હોય તો કેવો આનંદ થાય? આવો જ આનંદ બર્મિંગહામ સિટી હોસ્પિટલમાં જન્મેલી ભારતીય બાળકી એલિના કુમારીના માતાપિતા ભારતીદેવી અને અશ્વનિકુમાર અનુભવી રહ્યાં છે. આનંદ બેવડાવાનું મુખ્ય કારણ એ પણ છે કે એલિના યુકેમાં ૨૦૧૭ના નવા વર્ષમાં જન્મેલી પ્રથમ બાળકી છે. બિગ બેન ટાવરમાં મધરાત્રિએ નવા વર્ષના આગમનને વધાવતા ટકોરાં વાગ્યાની એક મિનિટ પછી એટલે કે ૦૦.૦૧ કલાકે એલિનાએ પોતાનાં નવજીવનનો ઘંટનાદ આરંભ્યો હતો.
હેન્ડ્સવર્થના પેરન્ટ્સ ભારતીદેવી (૩૫) અને અશ્વનિકુમાર (૨૬)ની દિકરી એલિનાનો જન્મ કુદરતી રીતે થયો છે અને તેનું વજન 6lb અને 8oz છે. આમ તો, ૨૦૧૬ના અંતે બાળજન્મ થવાની શક્યતા હતી પરંતુ કુદરતી રીતે દિવસો લંબાઈ ગયા હતા.
માતા ભારતીદેવીએ કહ્યું હતું કે,‘હું જન્મ આપવાની તૈયારમાં હોવાથી મધ્યરાત્રિએ નવા વર્ષના આગમનની ઉજવણીની તક અમને મળી નહિ. જોકે, બ્રિટનમાં ૨૦૧૭માં પ્રથમ જન્મેલી બાળકી હોવાનો વિચાર જ રોમાંચક છે અને તે મોટી થશે ત્યારે તેને આ કહેવાનો અવસર પણ અમૂલ્ય હશે.’ સેલ્સ આસિસ્ટન્ટ પિતા અશ્વનિકુમારે ઉમેર્યું હતું કે,‘હું સૌથી ગૌરવશાળી પિતા છું. ભારતી અને એલિના સ્વસ્થ છે તે જ મહત્ત્વની બાબત છે. તે સમગ્ર વર્ષનું પ્રથમ બાળક હોવાની કલ્પના જ રોમાંચક છે. નવું વર્ષ હવેથી વિશેષ મહત્ત્વ ધરાવશે.’