બર્મિંગહામઃ આતંકી હુમલાનું ષડયંત્ર ઘડતા હોવાની શંકાને આધારે વેસ્ટ મિડલેન્ડ્સમાંથી કાઉન્ટર ટેરરીઝમ ડિટેક્ટિવ્સ દ્વારા પાંચ વ્યક્તિઓને અટકમાં લેવાયા બાદ આર્મીના એક્સપ્લોઝીવ એક્સપર્ટ્સ કથિત બોંબ ફેક્ટરી પર દોડી ગયા હતા. બર્મિંગહામના લી બેન્ક વિસ્તારમાં પેન્ટા હોટલ બહારના વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો અને રોડની બાજુએ બોંબ ડિસ્પોઝલ વાન અને રોબોટ નજરે પડતા હતા.
પોલીસે બર્મિંગહામમાં ત્રણ મકાન પર દરોડા પાડ્યા હતા અને સ્ટોક-ઓન-ટ્રેન્ટમાંથી તે સંબંધે ૩૨ અને ૩૭ વર્ષની વયની બે વ્યક્તિ, બર્મિંગહામમાં ૧૮ અને ૨૪ વર્ષની બે તથા અન્ય વિસ્તારમાંથી ૨૮ વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. કથિત આતંકીઓએ હુમલા માટેનું લક્ષ્ય નિશ્ચિત કર્યું હતું કે આત્મઘાતી હુમલાની યોજના બનાવતા હતા તે હજુ સ્પષ્ટ નથી. તકેદારીના પગલારૂપે લી બેન્ક વિસ્તારમાં બોંબ સ્ક્વોડ બોલાવાઈ હતી.
તાજેતરમાં યુકેમાં બોંબ બ્લાસ્ટનું ષડયંત્ર ઝડપાયું હતું તે રેડિંગના દંપતી મોહમ્મદ રહેમાન અને સાના એહમદ-ખાનના નેતૃત્વ હેઠળ ઘડાયું હતું. ગયા વર્ષે જૂનમાં સેન્ટ્રલ લંડનમાં તેમણે હુમલાની યોજના ઘડી હતી. ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા રહેમાને પોતાના બેડરૂમમાં હોટપ્લેટનો ઉપયોગ કરીને ખાતરમાંથી ૧૧ કિલોગ્રામ યુરિયા નાઈટ્રેટની સ્ફોટક સામગ્રી બનાવી હતી. તેણે ૭/૭ના હુમલાખોરો દ્વારા વિસ્ફોટકોનો ઉપયોગમાં લેવાયા જેવી જ સામગ્રી TATPનું પણ ટેસ્ટીંગ કર્યું હતું. આ બન્નેને ગયા ડિસેમ્બરમાં આજીવન કેદની સજા ફરમાવાઈ હતી.