લંડનઃ બર્મિંગહામમાં બિન વર્કર્સની હડતાળ જારી રહેશે. સિટી કાઉન્સિલ દ્વારા કરાયેલી પગાર વધારાની ઓફર કર્મચારીઓએ ફગાવી દીધી છે. યુનાઇટ યુનિયન સાથે સંકળાયેલા કર્મચારીઓ અને કાઉન્સિલ સત્તાવાળાઓ વચ્ચે છેલ્લા એક મહિનાથી મડાગાંઠ ચાલી રહી છે જેના પગલે બર્મિંગહામની સડકો પર કચરાના ઢગલા સર્જાયાં છે.
યુનિયને જણાવ્યું હતું કે, સિટી કાઉન્સિલની ઓફર અપુરતી છે. 200 જેટલા ડ્રાઇવરના પગારમાં મૂકાનારા કાપ પર તેમાં કોઇ ધ્યાન અપાયું નથી. સિટી કાઉન્સિલનું કહેવું છે કે અમે કર્મચારીઓ સમક્ષ વ્યાજબી ઓફર રજૂ કરી છે. યુનિયને દાવો કર્યો હતો કે 97 ટકા સભ્યોએ કાઉન્સિલની ઓફર નકારી કાઢી છે.
કાઉન્સિલ અને કર્મચારીઓ વચ્ચેની મડાગાંઠનો અંત ન આવતાં જાહેર આરોગ્યની કટોકટી વધુ ગંભીર બને તેવી સંભાવના છે. ફ્રેન્ડ્સ ઓફ સ્પાર્ક ગ્રીન પાર્કના ચેરપર્સન સાદિયા ખાને જણાવ્યું હતું કે, કર્મચારીઓએ વધુ એક ઓફર નકારી કાઢતાં શહેરની વસતી વધુ બીમાર બની જશે. પાર્કોમાં મરેલી બિલાડીઓ મળી રહી છે. ઊંદર મારવાની દવા ખાવાના કારણે તેમના મોત થઇ રહ્યાં છે. આર્થિક કટોકટીના કારણે જનતા પણ સંઘર્ષ કરી રહી છે. દરેક કર્મચારીને સારા વેતનનો અધિકાર છે પરંતુ આ હડતાળનો અંત ક્યારે આવશે.
તેમણે જણાવ્યું હતું કે તમે ક્યાં સુધી જાહેર આરોગ્યને જોખમમાં મૂકી શકો. 1 મિલિયન કરતાં વધુ લોકો પર તેની અસર વર્તાઇ રહી છે.
બર્મિંગહામમાં કચરાના નિકાલ માટે સેનાના નિષ્ણાતોની મદદ લેવાઇ
બર્મિંગહામમાં કામદારોની છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી હડતાળના પગલે સર્જાયેલા કચરાના ઢગના નિકાલ માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે. બર્મિંગહામ સિટી કાઉન્સિલ કચરાના નિકાલ માટે પાડોશી કાઉન્સિલોની પણ મદદ લઇ રહી છે. હવે આ કટોકટીના ઉકેલ માટે સરકારે સેનાની મદદ માગી છે. સેનાના પ્લાનર્સ ટૂંકાગાળા માટે બર્મિંગહામ કાઉન્સિલને કચરાના નિકાલમાં માર્ગદર્શન આપશે. જોકે આ કામ માટે સેનાના જવાનોને તહેનાત કરાશે નહીં. પ્લાનર્સ ફક્ત ઓફિસમાં બેસીને માર્ગદર્શન આપશે.