બર્મિંગહામઃ લોહાણા એસોસિએશન, બર્મિંગહામ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, બર્મિંગહામના સહયોગથી હાઉસ ઓફ લોર્ડસમાં લાઈફ પીઅરેજ બદલ નોર્થવુડના લોર્ડ જીતેશ ગઢિયાના સન્માનનો કાર્યક્રમ ગત રવિવાર તા.૧૩ નવેમ્બરના રોજ બર્મિંગહામના વિવેકાનંદ હોલમાં યોજવામાં આવ્યો હતો. મુકેશભાઈ લાડવા અને પ્રફુલભાઈ નથવાણીએ લોર્ડ ગઢિયાને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. મંદિરના મેનેજમેન્ટ તરફથી લોર્ડ ગઢિયાનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.હિંદુ કોમ્યુનિટી સેન્ટરના પ્રમુખ મુકેશભાઈ મોહનભાઈ લાડવાએ લોર્ડ જીતેશ ગઢિયાનું સ્વાગત કરી, સમાજ માટે તેમણે કરેલી કામગીરી અને સફળ કારકિર્દીની વિગતોથી શ્રોતાજનોને વાકેફ કર્યા હતા. લોહાણા સમાજના અગ્રણી પ્રફુલભાઈ નથવાણીએ જીતેશભાઈના પરિવારની વિગતો રજૂ કરી કેનબેરા, ઓસ્ટ્રેલિયામાં રહેતા જીતેશભાઈના મામા શ્રી પ્રવિણભાઈ ગિરધરભાઈ સાંગાણી તેમજ અન્ય સગાસંબંધીઓના શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવ્યા હતા.લોર્ડ ગઢિયાએ મહેમાનોને સંબોધતા બર્મિંગહામમાં પોતાના મામાના ઘરે વીતાવેલા સમયની સ્મૃતિઓ તાજી કરી હતી. તેમના ગ્રાન્ડપેરન્ટ્સ સ્વ.ગીરધરભાઈ અને સ્વ. રંભાબેન લોકલ કોમ્યુનિટીમાં અગ્રણી હતા. લોર્ડ ગઢિયાએ તેમને સોંપાયેલી નવી કામગીરીની રૂપરેખા આપી દેશની હિંદુ કોમ્યુનિટીમાં રાજકારણ અને સરકાર વિશે પોતે કેવી રીતે જાગૃતિ લાવવા માગે છે તેની વાત કરી સૌનૌ આભાર માનીને સમાજ માટે પોતાનાથી બનતું બધું જ કરી છૂટવાની ખાતરી આપી હતી. સૌએ ઉભા થઈને ગઢિયાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. પ્રશ્રોત્તરી દરમિયાન લોર્ડ ગઢિયાએ પ્રશ્રોના યોગ્ય ઉત્તર આપ્યા હતા.લોર્ડ ગઢિયાની સાથે સમય વીતાવવાની તક મળતા કોમ્યુનિટીના સભ્યોએ ગર્વની લાગણી અનુભવી હતી. ઘણાં સભ્યોએ બર્મિંગહામમાં બાળપણમાં તેમની સાથે વીતાવેલા દિવસો યાદ કર્યા હતા. આ કાર્યક્રમનું લોહાણા એસોસિએશન ઓફ બર્મિંગહામના ફેસબુક પેજ પર જીવંત પ્રસારણ કરાયું હતું. ઓસ્ટ્રેલિયા અને યુએસએ સહિત વિશ્વભરમાંથી ઘણાં લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.ગઢિયાએ સૌની સાથે મળીને અલ્પાહારનો આનંદ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન બીબીસી સાઉથ એશિયા વિભાગના સિનિયર ડિજીટલ એડિટર શ્રીમતી રૂપાબેન આતિશભાઈ સૂચકે સુંદર રીતે કર્યું હતું.