લંડનઃ બળાત્કારીઓ પોતાનું નામ ન બદલી શકે તે માટે કાયદામાં બદલાવની લેબર સાંસદ દ્વારા પહેલા કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી બળાત્કારપીડિત સંગઠનો દ્વારા આ કાયદાની માગ કરવામાં આવી રહી હતી. ક્રિમિનલ જસ્ટિસ એક્ટમાં સુધારો કરવાની લેબર સાંસદ સારાહ ચેમ્પિયન દ્વારા કરાયેલી માગને સરકારે સ્વીકારી લીધી છે.
ક્રિમિનલ જસ્ટિસ એક્ટમાં નવી ઉમેરાયેલી કલમને પગલે બળાત્કારીઓને પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજોમાં નામ બદલતા અટકાવવાનો અધિકાર પોલીસને મળશે. બળાત્કાર માટે દોષી ઠરેલા અપરાધીએ નામ બદલવા માટે પોલીસની પરવાનગી લેવી પડશે અને ધર્મ પરિવર્તન અથવા તો લગ્ન જેવા કેટલાક મામલામાં અપાયેલી છૂટછાટને આધારે પોલીસ દ્વારા પરવાનગી અપાશે.
ગયા વર્ષે કિંગ ચાર્લ્સના સંબોધનમાં સંસદમાં રજૂ કરાયેલ ક્રિમિનલ જસ્ટિસ બિલમાં સંખ્યાબંધ સુધારા રજૂ કરવામાં આવી રહ્યાં છે તે પૈકીનો આ એક મહત્વનો સુધારો છે.