લંડનઃ આર્યનમેન કે જેમ્સ બોન્ડને ચમકાવતી હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળેલા જેટ સૂટના ઉપયોગે સહુ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા હતા કેમ કે આ સુટ પહેરીને વ્યક્તિ આકાશમાં ઊડતી જોવા મળે છે. જોકે હવે આ ‘ફિલ્મી’ જેટ સૂટનો ઉપયોગ આમ જીવનમાં સામાન્ય બને તે દિવસો દૂર નથી. હવે ઇંગ્લેન્ડનાં પેરામેડિક સેવા આપી રહેલી એજન્સીએ અંતરિયાળ પહાડી વિસ્તાર ધરાવતા લેક ડિસ્ટ્રક્ટમાં ફસાયેલા દર્દીઓ સુધી પહોંચવા જેટ સૂટનો ઉપયોગ કરવાની તડામાર તૈયાર હાથ ધરી છે. તેમનું માનવું છે કે જેટ સૂટ ધારણ કરીને અંતરિયાળ પહાડી વિસ્તારોમાં તેઓ દર્દી સુધી ઝડપથી અને સરળતાથી પહોંચી જશે.
મેડકલ આસિસ્ટન્ટસને જેટ સૂટ ધારણ કરીને ઊડવાની તાલીમ પણ અપાઈ રહી છે. આ ઉનાળામાં તો જેટ સૂટ પેરામિડિકલ સેવા કદાચ શરૂ થઈ જશે. દર્દીને અંતરિયાળ વિસ્તારમાંથી હોસ્પિટલ સુધી લાવવાના બદલે દર્દી જ્યાં હોય ત્યાં તાલીમબદ્ધ પેરામેડિક્સને પહોંચાડવા માટે જેટ સૂટનો ઉપયોગ કરવાનું નક્કી થયું છે.
ઉનાળામાં સેવા શરૂ કરવા પ્રયાસ
બ્રિટનમાં પેરામેડિક્સે અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવા પૂરી પાડવા જેટ સુટનો ઉપયોગ કરવાની ટ્રાયલ શરૂ કરી છે. આ પ્રોજેક્ટ ચાલુ ઉનાળામાં ગમે ત્યારે પૂરો થઈ શકે છે.
આ પ્રોજેક્ટના ટ્રાયલ અંગે પ્રોગ્રામ ડિરેક્ટર મોસને જણાવ્યું હતું કે આ રીતે હવામાં ઊડવાનો અનુભવ જાણે સ્ટેબિલાઈઝર વગર બાઇક ચલાવતા હોય તેવો હતો. આના પર ઘણું બધું કામ ચાલી રહ્યું છે. સલામતી ટોચની અગ્રતા છે. મારા સહિત બીજા પેરામેડિક્સ તેની આકરી તાલીમ લઈ રહ્યા છે. ઉનાળામાં તો અમે કદાચ આ જેટ સુટની પહેલી ફ્લાઈટ પણ યોજીશું.
2020થી ચાલી રહી છે ટ્રાયલ
2020માં આ જેટ સુટનું પ્રારંભિક પરીક્ષણ કરાયું હતું. તેમાં પેરિમેડિક્સ ફક્ત આઠ મિનિટના સમયગાળામાં 3,117 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયા હતા. તેની તુલનાએ હેલિકોપ્ટરને આ ઊંચાઈ હાંસલ કરતાં ત્રણ ગણો સમય લાગે અને કોઈ પેરામેડિક ચાલતો ચાલતો જાય તો તેને કલાક લાગે. જેટ સુટ વ્યક્તને 144 કિલોગ્રામનો થ્રસ્ટ પૂરો પાડે છે. વાસ્તવમાં જો આ જેટ સુટ કારગર નીવડે તો બ્રિટનના અંતરિયાળ વિસ્તારોમાં સારવાર માટે તે અત્યંત અસરકારક પગલું બનશે.
સૂટમાં પાંચ મિની જેટ એન્જિન
મોસન કહે છે કે આ જેટ સુટ પાંચ મિની જેટ એન્જિન પર આધારિત છે. આમાંથી બે મિની જેટ એન્જિન બિલ્ટ યુનિટમાં, બંને હાથ પર એક-એક અને એક પીઠ પર લગાવવામાં આવે છે. આ જેટ સુટ પહેરીને વ્યક્તિ કલાકના મહત્તમ 137 કિ.મી.ની ઝડપે ઊડી શકે છે, જે ઘણી પ્રભાવશાળી રેન્જ કહી શકાય. તેમાં ઈંધણ તરીકે જેટ એવન કેરોસીન અને પ્રીમિયમ ડીઝલ ઉપયોગમાં લેવાય છે. હાલમાં તો તેનો ફ્લાઈટ ટાઈમ 10 મિનિટ સુધીનો છે. અમે અમારા સાધનોમાં સુધારો કરી રહ્યા છીએ.
દુર્ગમ વિસ્તારમાં ઝડપી તબીબી સેવા મુખ્ય ઉદ્દેશ
જેટ સુટ સર્વીસ અમલમાં મૂકવા પાછળની પરિકલ્પના એ છે કે પેરામેડિક્સ મોટરબાઈક પર પહોંચે તેના બદલે આ રીતે દર્દી સુધી ઊડીને ઝડપભેર પહોંચી શકે છે. આનાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે અંતરિયાળ વિસ્તારો જ્યાં રોડ નથી હોતા ત્યાં અથવા તો ચોમાસા દરમિયાન રસ્તા તૂટી ગયા હોય ત્યાં પણ તબીબી સેવા પૂરી પાડવી શક્ય બને છે.
આના લીધે ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં કોઈને પણ તબીબી સહાયની જરૂર પડે તો તે ઝડપથી પૂરી કરી શકાશે. જેમ કે, લેક ડિસ્ટ્રિક્ટ એવો અંતરિયાળ પહાડી વિસ્તાર છે કે જ્યાં લોકો છાશવારે ફરવા નીકળી પડતા હોય છે. તેઓ કોઈ મુસીબતમાં ફસાય તો જેટ સૂટ તેમના સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. પહાડના શીખર પર તૈનાત એક પેરામેડિક્સ ખીણમાં ઘાયલ અવસ્થાનો ભોગ બનેલી કોઈક વ્યક્તિ સુધી માત્ર દસ જ મિનિટમાં પહોંચીને તબીબી સેવા આપી શકે તેવી યોજના તૈયાર થઈ રહી છે. આમ જેમ્સ બોન્ડ ફિલ્મની એક સમયની કલ્પના હવે નક્કર આકાર લેવા જઈ રહી છે.