લંડનઃ બોલીવૂડના કલાકારો સાથે મુલાકાતો કરવા માટે લાખો ડોલરની રોકડ ચુકવણીના કરારમાંથી પીછેહઠ કરવાના મામલે બહેરિનના શાહી પરિવારના સભ્ય શેખ હમદ ઈસા અલી અલ-ખલિફા સામે લંડનની હાઈ કોર્ટમાં ૧૨ નવેમ્બર, સોમવારથી પાંચ દિવસની ટ્રાયલની શરુઆત થઈ છે. કાનૂની પેઢી ઝાયવાલા એન્ડ કંપનીના સીનિયર પાર્ટનર સરોશ ઝાયવાલા દાવેદાર બિઝનેસમેન તરફથી કેસની પેરવી કરશે.
ઈજિપ્તના બિઝનેસમેન અહમદ અડેલ અબ્દલ્લાહે બહેરિનના શેખ હમદ ઈસા અલી અલ-ખલિફા સાથે બોલીવૂડના ૨૬ સિતારા સાથે મુલાકાતનો ખાસ કરાર કર્યો હતો. કરાર હેઠળ એક મુલાકાતના ૧.૫ મિલિયન ડોલરના હિસાબે ૩૩.૫ મિલિયન ડોલર તેમજ દર ત્રીજી મુલાકાતે ૫૦,૦૦૦ ડોલર ચુકવવાના હતા. અબ્દલ્લાહે ૨૦૧૬માં શેખ અને બોલીવૂડના ચાર સ્ટાર સાથે પાંચ મુલાકાત ગોઠવી હતી. અબ્દલ્લાહે દાવો કર્યો છે કે શેખે માત્ર ત્રણ મિલિયન ડોલર ચુકવી ખાસ કરારમાંથી પીછેહઠ કરી અન્ય એજન્ટ સાથે બીજો કરાર કર્યો હતો.
દાવેદાર બિઝનેસમેન અબ્દલ્લાહે જણાવ્યું હતું કે,‘ ભારે રકમની વાત હોવાં છતાં શેખ પોતાના શોખ માટે ખર્ચ કરવા તૈયાર જણાતા હતા. એક વખત તેમણે મને ૬૦૦,૦૦૦ પાઉન્ડ સાથે સેમસોનાઈટ સૂટકેસ અને કાર્ટિયર કે રોલેક્સનું કાર્ટન આપ્યા પછી રોકડમાં ૨૫૦,૦૦૦ ડોલર આપ્યા હતા. આ પછી, પેમેન્ટ બંધ થઈ ગયું હતું. શેખે એવો દાવો કર્યો હતો કે બહેરિનના શાહી પરિવારને તેમનો બોલીવૂડનો શોખ પસંદ ન હોવાથી તેમને ફંડ આપવું બંધ કરી દીધું હતું. જોકે, મને આશ્ચર્ય એ વાતનું છે કે મારી સાથે કરાર તોડી નાખ્યાના આઠ દિવસમાં તેમણે બોલીવૂડના વધુ ૧૫ સ્ટાર્સ સાથે મુલાકાતો કરી હતી. શેખના આસિસ્ટન્ટે મને શેખથી દૂર રહેવાની ધમકી પણ આપી હતી.’
શેખ હમદ ઈસા અલી અલ-ખલિફાને તેમના પિતા તરફથી વારસામાં વિશાળ સંપત્તિ પ્રાપ્ત થઈ છે, જેઓ એલ્યુમિનિયમ બહેરિનના ચેરમેન અને બહેરિનના વડા પ્રધાનના ખાસ સલાહકાર પણ હતા.
ઝાયવાલા એન્ડ કંપનીની સ્થાપના એપ્રિલ ૧૯૮૨માં થઈ હતી. સીનિયર પાર્ટનર સોલિસિટર મિ. સરોશ ઝાયવાલા ૧૨૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય કાનૂની કાર્યવાહી અને લવાદી સાથે સંકળાયેલા છે.