લંડનઃ ખોરાકને રાંધવાની પધ્ધતિની પસંદગી તેને આરોગ્યકારી કે બિનઆરોગ્યકારી બનાવે છે. આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે શાકભાજીને તળવા આરોગ્ય માટે હાનિકારક છે અને તળવાના કારણે તેમના એન્ટિઓક્સીડન્ટ ગુણધર્મો પર ચરબીનું ભારે આવરણ છવાઈ જાય છે. જોકે, નવા અભ્યાસ અનુસાર શાકભાજીને બાફવા કરતા શુદ્ધ ઓલિવ તેલમાં તળવામાં આવે તો તે વધુ ગુણકારી બની રહે છે. આ રીતે શાકભાજીને તળવાથી તેમની એન્ટિઓક્સીડન્ટ ક્ષમતા અને ફિનોલ ટાઈપના રસાયણો વધવાથી કેન્સર, ડાયાબીટીસ, અંધાપા સહિત લાંબા ગાળાના રોગોનું જોખમ રહેતું નથી.
ફૂડ કેમિસ્ટ્રી જર્નલમાં પ્રસિદ્ધ યુનિવર્સિટી ઓફ ગ્રેનાડાના સંશોધન અનુસાર બટાકા અને અન્ય શાકભાજીને પાણીમાં બાફવા કરતા શુદ્ધ ઓલિવ તેલમાં તળવામાં આવ્યાં ત્યારે આરોગ્યને ઉત્તેજન આપતાં મોટા ભાગના રસાયણો જળવાઈ રહેવા સાથે તેમની એન્ટિઓક્સીડન્ટ ક્ષમતા વધી હતી. સંશોધકોએ મેડિટેરિયન આહારમાં લેવાતાં બટાકા, ટામેટા, કોળા અને રીંગણા સહિત અનેક શાકભાજી પર વિવિધ રાંધણપદ્ધતિની અસરો તપાસી હતી. ઘણા કેસમાં પાણીમાં બફાયેલાં શાકભાજીના આરોગ્યપ્રદ ગુણધર્મો ઘટ્યાં હતાં.