આમ નોકરીયાત લોકો માટે રહેવા માટે ઘર ખરીદવાનું મુશ્કેલ જ નહિં અશક્ય બની ગયું છે અને પ્રોપર્ટીના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે સરકાર હવે વ્યાજના દરથી લાઇને સ્ટેમ્પ ડ્યુટીના દરમાં વધારો કરવા વિચારી રહી છે. જોકે હાલની સ્થિતીમાં વ્યાજના દર વધારવાનું પોસાય તેમ નથી. સરકારનો ઇરાદો આવા પગલા દ્વારા સામાન્ય માણસો પોતાનું ઘરનું ઘર વસાવી શકે તેવો છે. તકલીફ એ છે કે સરકારનો ઇરાદો સર થશે કે નહિં તેની ખબર નથી, પરંતુ બાય ટુ લેટ દ્વારા રાતો રાત મિલીયોનેર થઇ જવા માંગતા નવા નિશાળીયાઅો અને આ ક્ષેત્રના મોટા માથાઅોની તકલીફો વધી જશે એમાં જરા પણ શંકા નથી.
જ્યોર્જ અોસ્બર્ન 'બાય ટુ લેટ' માટે લેન્ડલોર્ડ્ઝને અોછા દરની લોન આપવામાં આવે છે તેના પર કાબુ મેળવવા માટે બેન્ક અો ઇંગ્લેન્ડને કેટલીક વધારાની સત્તા આપવા માંગે છે. જેના થકી બેન્ક અોફ ઇંગ્લેન્ડ જોખમી બાય ટુ લેટ મોર્ગેજ આપનાર બેન્કો - લેન્ડર્સ પર કાબુ મેળવશે. પ્રોપર્ટીનું મુલ્ય અને ભાડાના દરના આધારે હવે લોનની રકમ નક્કી થશે. આ નવા સુચિત કાયદા માટે આ મહિને પબ્લિક કન્સલ્ટેશન કરનાર છે.
બેન્ક અોફ ઇંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્ની અત્યારે જે રીતે બાય-ટુ-લેટ પ્રોપર્ટીની સંખ્યા વધી રહી છે તે જોતા ચિંતી છે. અત્યારે યુકેમાં કુલ ૧.૭ મિલિયન ઘર માત્ર ભાડે આપવા ખરીદવામાં આવ્યા છે. સરકાર સહિત સૌને એક જ ભય સતાવી રહ્યો છે કે જો પ્રોપર્ટી માર્કેટ ફુગાવાગ્રસ્ત થઇ જશે અને ફુગ્ગો ફૂટી જશે તો મિલ્કતોના ભાવમાં જોરદાર ઘટાડો થશે અને લેન્ડલોર્ડ્ઝને ભારે નુકશાન જશે.
સરકાર દ્વારા ટેક્ષમાં બદલાવ લાવવાના કારણે હવે મોટા માથા દ્વારા પોતાની પ્રોપર્ટીઅો વેચવાનું શરૂ થયું છે. બ્રિટનના સૌથી મોટા રોકાણકાર ગણાતા અને ભૂતપુર્વ ગણિત શિક્ષકો ફર્ગુસ અને જુડીથ વિલ્સને પોતાની ૯૦૦ જેટલી પ્રોપર્ટી વેચવાની તૈયારીઅો આદરી છે. જે રીતે ટેક્ષમાં બદલાવ આવી રહ્યા છે તે જોતાં ૨૦૨૦ સુધીમાં ઉંચો ટેક્ષ ચૂકવતા લોકોની તકલીફ વધી જશે. આ સાથે આગામી એપ્રિલથી ૩%નો સ્ટેમ્પ ડ્યુટી સરચાર્જ નાંખવામાં આવનાર છે.
બેન્કો દ્વારા હવે પોતાના ધિરાણ સુરક્ષીત રહે તે માટે 'સ્ટ્રેસ ટેસ્ટ' યોજના અમલમાં લવાય તેવી શક્યતાઅો છે. જે અંતર્ગત બેન્કો મોરગેજના વ્યાજના દરમાં ૩%નો વધારો થાય તેવા સંજોગોમાં મકાન માલીક જે તે ઘરના ભાડાની આવકમાંથી તેનો હપ્તો ભરી શકે તેમ છે કે નહિં તેની ચકાસણી કરશે. આવા સંજોગોમાં લોકોને મોટી રકમનું મોરગેજ મળશે નહિં અને તેને માટે ઘરનું ભાડુ વધારવું પડશે જે શક્ય લાગતું નથી.
સીધું ગણિત એ જ છે કે લોકોએ ઘર ખરીદતી વખતે ઘરની કિંમત, તેનું ભાડુ અને વ્યાજ વધશે તો મોર્ગેજ ભરાશે કે નહિં તેની ગણતરી કરી રાખવી જોઇએ.
બેન્ક અોફ ઇંગ્લેન્ડ દ્વારા તાજેતરમાં જ ચિંતા વ્યક્ત કરાઇ હતી કે જો વ્યાજના દરમાં માત્ર બે ટકાનો જ વધારો થાય તો ત્રીજા ભાગના પરિવારોની હાલત કફોડી થઇ જશે અને લોકોએ પોતાના ખર્ચામાં કાપ મૂકવો પડશે, યાતો લાંબા સમય સુધી કામ કરવું પડશે અથવા તો તેમના મોરગેજની શરતો બદલવી પડશે.