લંડનઃ બાય-ટુ-લેટ રોકાણોમાં ભારે વૃદ્ધિ સાથે વર્ષ ૨૦૧૩-૧૪માં યુકેમાં મકાનમાલિકોની સંખ્યા સાત ટકાના વધારા સાથે ૧.૭૫ મિલિયનથી પણ વધુ થયાનું રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગના નવા આંકડા જણાવે છે. જોકે, અત્યાર સુધી આ સંખ્યા ઘણી વધી હોઈ શકે છે. આંકડા અનુસાર વર્ષ ૨૦૧૨-૧૩માં ૧.૬૩ મિલિયન લોકોની સરખામણીએ ૨૦૧૩-૧૪માં ૧.૭૫ મિલિયન લોકોએ પ્રોપર્ટીમાંથી આવકની જાહેરાત કરી હતી. મકાનમાલિકે તેમની રેન્ટલ પ્રોપર્ટીઝમાંથી ૧૪.૨ બિલિયન પાઉન્ડની નેટ ઈન્કમ મેળવી હતી, જે અગાઉના વર્ષે ૧૩.૧ બિલિયન પાઉન્ડ હતી.
સરકારે હાઉસિંગ માર્કેટને પ્રથમ વખત ઘર ખરીદનારાની તરફેણમાં સંતુલિત કરવાની ખાતરીઓ આપવા છતાં બાય-ટુ-લેટ મકાનમાલિકોની સંખ્યામાં સાત ટકાનો વધારો થયો હતો. આ હિસાબે દેશમાં દરરોજ નવા ૩૨૯ મકાનમાલિક બને છે. નાણાકીય કટોકટી પછી પ્રથમ વખત ઘર ખરીદનારા બ્રિટિશ નાગરિકો ઊંચી કિંમતોના કારણે હાઉસિંગ બજારમાં સ્થાન મેળવી ન શકતા પોતાનું મકાન ધરાવનારાની સંખ્યા ઘટી હતી.
બીજી તરફ, સરકારે બીજા મકાનની માલિકી માટે ઊંચી સ્ટેમ્પ ડ્યૂટી પ્રકારે લેન્ડલોર્ડ ટેક્સ લાદી સ્થિતિ સુધારવા પ્રયાસ કર્યો હતો. જોકે, ટેક્સ અમલી બને તે પહેલા બાય-ટુ-લેટ મકાનમાલિકોની સંખ્યામાં ઊછાળો આવ્યો હતો. સસ્તા મોર્ગેજીસ અને વધતાં ભાડાં તેમજ નીચાં બચત દરોના કારણે ઈન્વેસ્ટર્સમાં પ્રોપર્ટીની માલિકી વધુ આકર્ષક બનવાથી બાય-ટુ-લેટ ધીરાણોમાં પણ ઊછાળો આવ્યો હતો.