બાર્બાડોસમાં બ્રિટિશ રાજાશાહી સમાપ્તઃ પ્રમુખશાહીનો ઉદય

Wednesday 17th November 2021 04:50 EST
 
 

લંડનઃ પૂર્વ બ્રિટિશ સંસ્થાન બાર્બાડોસને રિપબ્લિક તરીકે જાહેર કરાયું છે અને રાષ્ટ્રના વડા તરીકે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના સ્થાને વર્તમાન ૭૨ વર્ષીય ગવર્નર જનરલ સાન્દ્રા મેસન દેશના પ્રથમ પ્રેસિડેન્ટ બનશે. યુકેથી આઝાદીની ૫૫મી વર્ષગાંઠ ૩૦ નવેમ્બરે તેઓ પ્રમુખપદના શપથ લેશે.

કેરેબિયન ટાપુ બાર્બાડોસે સંસ્થાનવાદની ભૂતકાળ સાથે છેડો ફાડવાના નિર્ણાયક પગલા તરીકે પ્રજાસત્તાક દેશ તરીકે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. દેશના હાઉસ ઓફ એસેમ્બલી અને સેનેટની સંયુક્ત બેઠકમાં વર્તમાન ગવર્નર જનરલ સાન્દ્રા મેસનને બે તૃતીઆંશ મતથી દેશના પ્રથમ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવામાં આવ્યાં છે. પૂર્વ જ્યુરિસ્ટ સાન્દ્રા મેસને ૨૦૧૮માં ગવર્નર જનરલનો હોદ્દો સંભાળ્યો હતો અને બાર્બાડોસ કોર્ટ ઓફ અપીલ્સમાં સેવા આપનારા પ્રથમ મહિલા છે.

૩૦૦,૦૦૦થી પણ ઓછી વસ્તી ધરાવતી પૂર્વ બ્રિટિશ કોલોની બાર્બાડોસે ૧૯૬૬માં યુકેથી આઝાદી મેળવી હતી પરંતુ, બ્રિટિશ મોનાર્કી સાથે સંબંધો જાળવી રાખ્યા હતા. જોકે, સંપૂર્ણ સાર્વભૌમત્વ અને દેશના જ નેતૃત્વ માટે જોરદાર માગણી થઈ રહી હતી. બ્રિટિશરોએ ૧૬૨૫માં બાર્બાડોસનો કબજો મેળવ્યો હતો અને બ્રિટિશ રીતરસમો સાથે વફાદારીના કારણે તેની ‘લીટલ ઈંગ્લેન્ડ’ તરીકે પણ ઓળખ સર્જાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter