લંડનઃ બ્રિટનની શાળાઓમાં રેસિઝમમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ગયા વર્ષે રેસિઝમના કારણે હજારો વિદ્યાર્થીઓને શાળામાંથી ઘેર મોકલી દેવાયાં હતાં. જેમાં કેટલાંક 4 વર્ષના નાના બાળકોનો પણ સમાવેશ થતો હતો. શાળાઓમાં પ્રસરી રહેલી ધિક્કારીની લાગણીને ડામવા માટે એક્ટિવિસ્ટો દ્વારા આહવાન કરાયું છે.
તેમણે જણાવ્યું હતું કે, બાળકો તેમના ઘરમાં માતાપિતા પાસેથી અને મીડિયામાં જમણેરી નેતાઓ દ્વારા અપાતા નિવેદનોમાંથી જે શીખે છે તેનું પુનરાવર્તન શાળામાં કરે છે. 2023માં રેસિસ્ટ વર્તન માટે 11,619 વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરી દેવાયાં હતાં. જે 2022ની સરખામણીમાં 25 ટકાનો વધારો દર્શાવે છે. તેનો અર્થ એ થયો કે 2023માં રેસિઝમ માટે રોજના 60 વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયાં હતાં.
એક રેસિઝમ થિન્ક ટેન્કના વડા ડો. શબના બેગમે જણાવ્યું હતું કે, હાલ જે પ્રકારનું વાતાવરણ દેશમાં પ્રવર્તી રહ્યું છે તેમાંથી બાળકોમાં રેસિઝમનો પ્રસાર વધી રહ્યો છે. તાજેતરના વર્ષોમાં મીડિયા અને રાજકીય નેતાઓ દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો સામાન્ય બાબત બની છે. બાળકો આપણા રાજકીય નેતાઓ દ્વારા અપાતા નિવેદનોનું જ પ્રતિબિંબ પાડી રહ્યાં છે.
નેશનલ એજ્યુકેશન યુનિયનના જનરલ સેક્રેટરી ડેનિયલ કેબેડેએ જણાવ્યું હતું કે, આ આંકડા ચિંતાજનક છે. મીડિયા અને રાજકીય નેતાઓની બેજવાબદારીએ સર્જેલું વાતાવરણ આ દેશના સામાજિક સૌહાર્દ પર જોખમ સર્જ્યું છે.