લંડનઃ બ્રિટનમાં બિઝી રોડ્સ નજીક રહેવાના કારણે ૧૦ મિલિયનથી વધુ વૃદ્ધો ડિમેન્શિયાનું ભારે જોખમ ધરાવતા હોવાનું વિજ્ઞાનીઓએ કહ્યું છે. મોટાં શહેરોમાં ટ્રાફિકના ધૂમાડાના કારણે ૧૨ ટકા જેટલા વયોવૃદ્ધ લોકોને ડિમેન્શિયા થવાનું જોખમ હોવાનું તારણ આશરે છ મિલિયનથી વધુ લોકોનાં કેનેડિયન અભ્યાસના આધારે કાઢવામાં આવ્યું છે. ભારે ટ્રાફિક હોય તેવાં સ્થળોએ આ જોખમ વધે છે.
બ્રિટનમાં દર વર્ષે ૨૦૦,૦૦૦થી વધુ લોકો ડિમેન્શિયાનો શિકાર બને છે. ૧૦માંથી એક કેસનો ખુલાસો થઈ શકે છે કે તેઓ શહેરની વ્યસ્ત શેરીઓ નજીક રહેતાં હોવાથી પ્રદૂષણનો ભોગ બને છે. જોકે, ડિમેન્શિયાનું કારણ પ્રદૂષણ હોવાનું કેનેડિયન અભ્યાસથી પૂરવાર થતું નથી. આમ છતાં, પબ્લિક હેલ્થ ઓન્ટારિયોના સંશોધક રે કોપ્સનું કહેવું છે કે આપણે ટ્રાપિક સંબંધિત હવાઈ પ્રદૂષણનું સ્તર ઘટાડવું જોઈએ.