લંડનઃ NHS ઈંગ્લેન્ડ એપ્રિલ ૨૦૧૭થી ચોકોલેટ બાર સહિતની આઈટમો અંદાજે ૨૦ ટકાનો સુગર ટેક્સ લાદવાની દિશામાં આગળ વધી રહે છે. આગામી મહિનાથી હોસ્પિટલો અને અન્ય હેલ્થ સેન્ટરોમાં સુગર અને સોલ્ટનું વધુ પ્રમાણ ધરાવતા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના પ્રાઈસ પ્રમોશન અને ચેકઆઉટ ડિસ્પ્લે વિજ્ઞાપનોનો અંત લવાશે તેમ ચીફ એક્ઝીક્યુટિવ સિમોન સ્ટીવન્સે જણાવ્યું છે.
સ્ટીવન્સે જણાવ્યું છે કે હોસ્પિટલ ટ્રસ્ટોએ ફંડ મેળવવા તેમની સાઈટ્સ પરના ફાસ્ટ-ફૂડ ફ્રેન્ચાઈઝીસ, વેન્ડિંગ મશીન્સ અને અન્ય રીટેઈલ આઉટલેટ્સ વિશે માહિતી આપવાની રહેશે, જેનાથી એપ્રિલ ૨૦૧૭થી સુગર ટેક્સના અમલીકરણમાં મદદ મળશે. તેમણે ૬૦૦ મિલિયન પાઉન્ડના શરતી ફંડની જાહેરત કરી છે. આ પેકેજમાં કર્મચારીઓના રસીકરણ, તેઓ ચાલીને કે સાઈકલ દ્વારા કામના સ્થળે આવે, શારીરિક પ્રવૃત્તિઓ, ફીટનેસ ક્લાસીસ, ટીમ સ્પોર્ટ્સમાં જોડાય તેનો સમાવેશ થાય છે.
NHS ઈંગ્લેન્ડ ૧.૩ મિલિયન લોકોને નોકરી આપે છે અને તેના કર્મચારીઓની ગેરહાજરીના કારણે વર્ષે ૨.૪ બિલિયન પાઉન્ડનો ખર્ચ બેસે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા બિનઆરોગ્યપ્રદ આહારમાં કાપ અને ધૂમ્રપાન છોડવા સહિત દૈનિક વર્તન બદલવા લોકોને સમજાવવાનું અભિયાન શરૂ કરાયું છે. લોકોમાં મેદસ્વીતા અને તેના પરિણામોની સારવાર પાછળ NHSને વર્ષે ૫.૧ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવો પડે છે.