લંડનઃ વિઝા વિના યુકેની મુલાકાત લેતાં અથવા ટ્રાન્ઝિટ પ્રક્રિયામાંથી પસાર થનારા બિનયુરોપિયન નાગરિકોએ હવે 10 પાઉન્ડની ડિજિટલ પરમિટ હાંસલ કરવી પડશે. નવેમ્બર 2023માં પહેલીવાર અમલી બનાવાયેલ ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશનનું હોમ ઓફિસ દ્વારા વિસ્તરણ કરાયું છે. અત્યાર સુધી કતાર, બહેરિન, કુવૈત, ઓમન, યુએઇ, સાઉદી અરબ અને જોર્ડનના નાગરિકોએ જ ડિજિટલ પરમિટ લેવી પડતી હતી.
યુકેમાં વિઝા અથવા તો લીગલ રેસિડેન્સ રાઇટ્સ વિના પ્રવેશતા તમામા બિનયુરોપિયન નાગરિકો માટે ડિજિટલ પરમિટ ફરજિયાત બનાવી દેવાઇ છે. બીજી એપ્રિલથી તમામ પ્રવાસીઓએ ડિજિટલ પરમિટ લેવી ફરજિયાત બનશે. જોકે બ્રિટિશ અને આઇરિશ નાગરિકોને તેમાંથી મુક્તિ અપાઇ છે. ઇટીએ દ્વારા પ્રવાસીનો પાસપોર્ટ ડિજિટલી લિન્ક થઇ જશે.
હોમ ઓફિસે જણાવ્યું હતું કે, વિદેશી નાગરિકો યુકેનો પ્રવાસ શરૂ કરે તે પહેલાં જ તેમની આકરી સુરક્ષા ચકાસણી કરાશે જેનાથી બ્રિટનની ઇમિગ્રેશન સિસ્ટમનો થતો દુરુપયોગ અટકાવી શકાશે.
દરેક ઇટીએ પરમિટના સમયગાળામાં દર વખતે 6 મહિનાની મુદત માટે યુકેની મુલાકાતો લઇ શકાશે. અથવા તો પાસપોર્ટધારકનો પાસપોર્ટ એક્સપાયર થતો હશે ત્યાં સુધી આ પરમિટ જારી રહેશે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર 2024ના પ્રથમ 6 મહિનામાં ખાડી દેશોના 2,43,000 નાગરિકને ઇટીએ પરમિટ જારી કરાઇ હતી.