લંડનઃ લેસ્ટર કાઉન્સિલને તેના એક કર્મચારી સાથે વંશીય ભેદભાવ માટે કસૂરવાર ઠરાવતા એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલના ચુકાદાને પડકારતી એક અપીલ કોર્ટે ફગાવી દીધી છે. એપ્રિલ 2023માં ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં સામાજિક કાર્યકર્તા બિન્દુ પરમારના સંદર્ભમાં લેસ્ટર સિટી કાઉન્સિલના એક વરિષ્ઠ અધિકારી રૂથ લેક દ્વારા લેવાયેલા નિર્ણયો વંશીય ભેદભાવપૂર્ણ હોવાનું ઠરાવ્યું હતું.
બિન્દુ પરમારે જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા અપીલ ફગાવી દેવાતાં મને ઘણી ખુશી થઇ છે પરંતુ હું મારા કામ પર પરત ફરવા પણ ઇચ્છુ છું. મેં કાઉન્સિલ માટે 33 વર્ષ કામ કર્યું છે. કાઉન્સિલે ટ્રિબ્યુનલના ચુકાદાને પડકારવાનો નિર્ણય લીધો ત્યારે મને ઘણો આઘાત લાગ્યો હતો. એવું લાગી રહ્યું છે કે કાઉન્સિલ બદલાવ લાવવા માગતી નથી અને કોઇ પદાર્થપાઠ પણ શીખવા માગતી નથી.