નવી દિલ્હી, લંડનઃ પાર્ટીગેટ કૌભાંડ, ઘટતી લોકપ્રિયતા અને કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વ સામે અસંતોષ અને રશિયા-યુક્રેન કટોકટીની મધ્યમાં પણ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ગુરુવાર 21મી એપ્રિલે ભારતયાત્રા આરંભી હતી. તેઓ સૌપ્રથમ ગુજરાતના અમદાવાદમાં આવી પહોંચ્યા હતા અને 22 એપ્રિલે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. જ્હોન્સને ભારત-બ્રિટનના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે 1 બિલિયન પાઉન્ડના દ્વિપક્ષી મૂડીરોકાણની જાહેરાત કરી છે. ભારત અને યુકેએ સંરક્ષણ વેપાર અને ક્લીન એનર્જી મામલે સહયોગ વધારવા સંમતિ દર્શાવી હતી તેમજ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ- મુક્ત વ્યાપાર સંધિને ઓક્ટોબર-દીવાળી સુધીમાં અંતિમ ઓપ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું હતું. બંને વડા પ્રધાનોએ નવી ડિફેન્સ અને સિક્યુરિટી પાર્ટનરશિપના કરારની જાહેરાત કરી હતી જેના હેઠળ યુકે અને ભારત સાથે મળીને જમીન, સમુદ્ર, હવાઈક્ષેત્ર, અવકાશ અને સાઈબર ક્ષેત્રમાં ધમકીઓનો સામનો કરવા કામગીરી કરશે. આ પ્રવાસમાં મહત્ત્વની બાબત એ રહી કે આ પ્રવાસ પર યુક્રેન કટોકટીનો ઓછાયો રહેવાની આશંકા હતી પરંતુ, તેનો અછડતો ઉલ્લેખ જ થયો હતો.
મોદી અને જ્હોન્સન ખાસ દોસ્ત
ગુજરાત અને ભારતમાં ઉમળકાભર્યો આવકાર મેળવનાર બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ખાસ દોસ્ત ગણાવ્યા હતા. મોદીએ પણ ઉમળકાભેર જ્હોન્સનના પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો હતો.
જ્હોન્સને સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં કાનૂની પ્રક્રિયામાંથી બચવા આર્થિક ગુનેગારો અને ભાગેડૂઓને યુકેનો ઉપયોગ થવા દેવાશે નહિ. આ સાથે તેમણે નીરવ મોદી અને વિજય માલ્યા જેવા આર્તિક અપરાધીઓને લપડાક મારી હતી. હાલ યુકેસ્થિત આ બંને ભાગેડુનાં પ્રત્યર્પણની યુકે સરકારે મંજૂરી આપી હોવાનો ઉલ્લેખ પણ જ્હોન્સને કર્યો હતો. જોકે, કેટલાક ટેકનિકલ અવરોધોના કારણે પ્રત્યર્પણ હજુ શક્ય બન્યું નથી પરંતુ, અવરોધો વહેલી તકે દૂર કરાશે તેવી ખાતરી પણ ઉચ્ચારી હતી. તેમણે ભારતવિરોધીઓનો સામનો કરવા ટાસ્ક ફોર્સ રચ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
યુક્રેન મુદ્દે કોઈ દબાણ નહિ
જ્હોન્સન અને મોદીએ દ્વિપક્ષી મંત્રણામાં યુક્રેન પર રશિયાના આક્રમણની પણ ચર્ચા કરી હતી. ભારતના વિદેશસચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ રિપોર્ટર્સને જણાવ્યું હતું કે જ્હોન્સને આ મુદ્દે મોદી પર કોઈ દબાણ કર્યું ન હતું. વડા પ્રધાન મોદીએ યુક્રેનમાં તત્કાળ યુદ્ધવિરામની હાકલ કરવા સાથે કૂટનીતિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. જોકે, તેમણે ભારત માટે સૌથી વધુ શસ્ત્રોનો સપ્લાય કરતા રશિયાની કોઈ ટીકા કરી ન હતી.
મંત્રણામાં વડા પ્રધાન મોદીએ શું કહ્યું:
• અમે યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામ અને સમસ્યનાં સમાધાન માટે મંત્રણા અને ડિપ્લોમસી પર ભાર મૂક્યો છે.
• અમે તમામ દેશોની પ્રાદેશિક અખંડતા અને સંપ્રભુતાનું સન્માન કરવાનાં મહત્ત્વને પ્રાધાન્ય આપ્યું.
• અમે યુકેની કંપનીઓ દ્વારા ભારતમાં વધી રહેલા રોકાણનું સ્વાગત કર્યું. જેનું તાજું ઉદાહરણ હાલોલ પ્લાન્ટ છે.
• અમે ક્લાઇમેટ ચેન્જ અને ઊર્જામાં સહયોગ વધારવાનું નક્કી કર્યું.
• આ વર્ષના અંત સુધીમાં યુકે સાતેના મુક્ત વેપાર કરારને આખરી ઓપ અપાશે.
• અમે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો માટે રોડમેપ 2030 લોન્ચ કર્યો.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને શું કહ્યું:
• ભારત સાથે સંબંધો અગાઉ ક્યારેય આટલા મજબૂત ન હતા.
• ભારત મહત્ત્વનો લોકશાહી દેશ છે. જ્યાં બંધારણનું જતન કરાઈ રહ્યું છે.
• દિવાળી સુધીમાં બંને દેશો મુક્ત વેપાર કરારને આખરી ઓપ આપશે.
• રશિયા અને ભારતાં સંબંધો વર્ષો જૂના છે જે બદલાશે નહિ.
• પુટિન યૂક્રેન પર યુદ્ધ ઠોકીને ત્યાંના લોકોના જુસ્સા સામે જીતી શકાશે નહિ.
• રશિયા-યૂક્રેન યુદ્ધ રોકવા ભારત અને યુકે સાથે મળીને કામ કરશે.
• ઇન્ડો પેસિફિક વિસ્તારને મુક્ત અને ખુલ્લો કરાશે અને નિયમોને આધારે તેનું સંચાલન કરાશે.