લંડનઃ ઇંગ્લેન્ડના 25 મિલિયન લોકો મે મહિનામાં તેમના શહેરો માટે મેયરની ચૂંટણી કરશે. આ સાથે સ્થાનિક સત્તામંડળોની ચૂંટણી પણ યોજાઇ રહી છે. બ્રિટનની ચૂંટણી સાઇકલમાં મેયરોની ચૂંટણી નવો અધ્યાય છે પરંતુ તેમનું મહત્વ ઓછુ આંકી શકાય નહીં. જનતા દ્વારા સીધા ચૂંટાયેલા મેયરને આર્થિક વિકાસ, હાઉસિંગ પોલિસી, ટ્રાન્સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ મામલાઓમાં વ્યાપક સત્તાઓ પ્રાપ્ત થાય છે. લંડન અને ગ્રેટર માન્ચેસ્ટરના મેયરોને તો પોલીસ, ફાયરબ્રિગેડ અને રેસ્ક્યુ સેવાઓની સત્તાઓ પણ મળે છે.
બીજી મેના રોજ નવ સંયુક્ત સત્તામંડળ વિસ્તારોના નાગરિકો મતદાન કરશે. લંડન અને ગ્રેટર માન્ચેસ્ટરમાં મેયરની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ વખતે પહેલીવાર ઇસ્ટ મિડલેન્ડ્સ, યોર્ક અને નોર્થ યોર્કશાયરના રહેવાસીઓ મેયરની ચૂંટણી કરી રહ્યાં છે.
લંડનમાં લેબર પાર્ટીના મેયર સાદિક ખાન આઠ વર્ષના કાર્યકાળ બાદ સતત ત્રીજીવાર મેયરપદ માટે ઝંપલાવી રહ્યાં છે. તેમની સામે કન્ઝર્વેટિવ પાર્ટીના સુસાન હોલ મેદાનમાં છે. ભારતીય મૂળના તરૂણ ગુલાટીએ આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝૂકાવ્યું છે. 62 વર્ષીય શ્યામ બત્રા પણ આ રેસમાં અપક્ષ તરીકે જોડાયાં છે. ગ્રેટર માન્ચેસ્ટરમાં મેયર એન્ડી બર્નહામ અને કન્ઝર્વેટિવ લૌરા ઇવાન્સની વચ્ચે જંગ છેડાશે. હાલમાં મોટાભાગના મેયર પદો પર લેબર પાર્ટીના નેતાઓ આરૂઢ છે.